ભારત 386, ન્યુઝીલેન્ડ 295, રોહિત અને ગિલની સ્ફોટક સદી, ઠાકુર અને કુલદીપની 3-3 વિકેટ

મેન ઓફ ધ મેચ શાર્દુલ ઠાકુર, શુબમન ગીલ મેન ઓફ ધ સિરીઝ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે આ મેચ 90 રને જીતી લીધી અને શ્રેણી પણ 3-0થી પોતાના નામે કરી લીધી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ન્યુઝીલેન્ડ સામે 386 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિવી ટીમ માત્ર 295 રન જ બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી.વિરાટ કોહલીએ યુઝવેન્દ્ર ચહલના બોલ પર સેન્ટનરને કેચ આઉટ કરીને ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. સેન્ટનરે 29 બોલમાં 34 રન બનાવ્યા હતા.

આ મેચમાં જીત સાથે જ ભારતીય ટીમ વનડેમાં વિશ્વની નંબર વન ટીમ બની ગઈ છે.પ્રથમ બેટિંગ કરતા ભારતે 385 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને શુભમન ગીલે સદીની ઇનિંગ્સ રમી હતી. હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવેએ સદી ફટકારી હતી, પરંતુ તેને કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો નહોતો. હેનરી નિકોલ્સ અને સેન્ટનરે પ્રયાસ કર્યો, પરંતુ બંને અડધી સદી પણ ફટકારી શક્યા નહીં. અંતે ભારતે 90 રને મેચ જીતી લીધી હતી.

રોહિત અને ગિલની સદી

કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. કેપ્ટન રોહિતે 85 બોલમાં નવ ચોગ્ગા અને છ છગ્ગા સાથે 101 રન બનાવ્યા, જે જાન્યુઆરી 2020 પછી તેની પ્રથમ વનડે સદી છે. ગિલે 78 બોલમાં 13 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 112 રનની ઇનિંગ રમીને તેની ચોથી સદી પણ ફટકારી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 212 રનની તોફાની ભાગીદારી પણ કરી હતી. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં 38 બોલમાં ત્રણ છગ્ગા અને એટલા ચોગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમીને ટીમના સ્કોરને 380 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રોહિત અને ગિલે ન્યૂઝીલેન્ડના તમામ બોલરોને ટાર્ગેટ પર લીધા અને તેમની 26.1 ઓવરની ભાગીદારી દરમિયાન સરળતાથી તેમની સામે શોટ રમ્યા. ગિલે ઇનિંગની આઠમી ઓવરમાં લોકી ફર્ગ્યુસનની બોલ પર ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 22 રન બનાવ્યા હતા. ગિલે 12મી ઓવરમાં મિશેલ સેન્ટનરના બોલ પર ચોગ્ગો ફટકારીને તેની અડધી સદી પૂરી કરી હતી, જ્યારે એક ઓવર પછી, રોહિતે પણ તે જ સ્પિનરની બોલ પર છગ્ગા વડે 50 રનનો આંકડો પાર કર્યો હતો.25 ઓવરમાં સ્કોર 200ને પાર કરી ગયોરોહિત અને ગિલે 25મી ઓવરમાં 22 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી ટીમને 200 રનનો આંકડો પાર કરાવ્યો હતો. બંનેએ 26મી ઓવરમાં સદી પૂરી કરી હતી.

રોહિતે માત્ર 83 બોલમાં જ 100 રનનો આંકડો પાર કર્યો હતો. ટિકનરની એ જ ઓવરના છેલ્લા બોલ પર ગિલે માત્ર 72 બોલમાં ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે છ બોલરોનો ઉપયોગ કર્યો અને તેના છઠ્ઠા પસંદગીના સ્પિનર ​​માઈકલ બ્રેસવેલે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી