ન્યૂઝીલેન્ડને સીરિઝમાં 2-1થી હરાવ્યું, ભારતીય ટીમ 168 રને ન્યુઝીલેન્ડ સામે જીતી, ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા, ન્યુઝીલેન્ડ 66 રનમાં ઓલઆઉટ

ભારતે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આખી ટીમ માત્ર 66 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીને 2-2 સફળતા મળી હતી. ટી20 ફોર્મેટમાં ભારતની આ સૌથી મોટી જીત છે.

ન્યુઝીલેન્ડના બેટ્સમેનોનો ફ્લોપ શો

ન્યૂઝીલેન્ડ તરફથી ડેરી મિશેલે સૌથી વધુ 35 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન મિચેલ સેન્ટનરે 13 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા. જ્યારે કિવી ટીમના 9 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. ભારત માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપીને 4 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા જ્યારે અર્શદીપ સિંહે 3 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઉમરાન મલિકે 2.1 ઓવરમાં 9 રનમાં 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય શિવમ માવીએ 2 ઓવરમાં 2 બેટ્સમેનોને 12 રન આપીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

શુભમન ગિલે સદી ફટકારી હતી

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 21 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા 2 બોલમાં 2 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈશાન કિશનના વહેલા આઉટ થયા બાદ શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠી વચ્ચે 80 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ રીતે ન્યુઝીલેન્ડને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો.