હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય હોકી ટીમે ચીનને 1-0થી હરાવીને પાંચમી વાર ટાઈટલ જીત્યું, ભારત માટે જુગરાજે ચોથા ક્વાર્ટરમાં નિર્ણાયક ગોલ કર્યો

ભારતીય પુરુષ હોકી ટીમે જુગરાજના નિર્ણાયક ગોલની મદદથી ચીનને 1-0થી હરાવીને પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારત અને ચીન વચ્ચેની મેચ પહેલા ત્રણ ક્વાર્ટર સુધી ગોલ વિનાની ટાઈમાં ચાલી રહી હતી, પરંતુ ચોથા ક્વાર્ટરમાં જુગરાજે ફિલ્ડ ગોલ કરીને ભારતને 1-0થી આગળ કરી દીધું હતું. આ રીતે ભારતીય ટીમ લીડ લેવામાં સફળ રહી હતી. આ પછી ભલે હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ અન્ય કોઈ ગોલ કરી શકી ન હતી, પરંતુ તેણે ચીનને બરાબરીનો ગોલ કરવાની કોઈ તક આપી ન હતી.

ભલે કેપ્ટન હરમનપ્રીત સિંહ આ મેચમાં ગોલ કરી શક્યો ન હતો પરંતુ તેણે જુગરાજને ગોલ કરવામાં મદદ કરી હતી. ચીનના ડિફેન્સે પણ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને લાંબા સમય સુધી ગોલ કરવા દીધો નહોતો. આ દરમિયાન ચીને ચાર પેનલ્ટી કોર્નર પણ જીત્યા હતા, પરંતુ ભારતીય ટીમે તેમને ગોલ કરવાની કોઈ તક આપી ન હતી.

પાકિસ્તાનની હોકી ટીમે ચીનને સમર્થન આપવા બદલ મજાક ઉડાવી
મેચ દરમિયાન, બ્રોડકાસ્ટરે પાકિસ્તાની ખેલાડીઓને સ્ક્રીન પર દેખાડતા જ તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. પાકિસ્તાનની મેન્સ હોકી ટીમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. ખરેખર, ભારત અને ચીન વચ્ચેની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમ ચીનને સપોર્ટ કરવા આવી હતી. આ દરમિયાન તેમના ખેલાડીઓ ચીનનો ધ્વજ પકડીને જોવા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે સેમી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવનાર ચીન હતું.

ભારત પાંચમી વખત વિજેતા બન્યું
ભારતીય ટીમે પાંચમી વખત આ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. રસપ્રદ વાત એ છે કે ટીમ સતત બીજી વખત વિજયી બની છે. ભારતે પ્રથમ વખત 2011માં પાકિસ્તાનને હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ પછી 2016માં પણ તેણે પાકિસ્તાનને હરાવીને આ ટ્રોફી કબજે કરી હતી. ભારતીય ટીમે 2023માં ફાઇનલમાં મલેશિયાને હરાવીને ચોથી વખત આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો અને હવે તે રેકોર્ડ પાંચમી વખત વિજેતા બનવામાં સફળ રહી છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે.