Asia Cup 2025 : દુબઈમાં રમાયેલા મેચમાં ભારતે 16મી ઓવરમાં જ પાકિસ્તાનનો 128 રનનો લક્ષ્ય હાંસલ કર્યો; કુલદીપ યાદવે 3 અને સૂર્યકુમારે 47 રન બનાવી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી

દુબઈ: એશિયા કપ 2025ના દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી છે. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને એકતરફી રીતે 7 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી હતી. પાકિસ્તાને ભારતને 128 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ભારતે 16મી ઓવરમાં જ હાંસલ કરી લીધો. કપ્તાન સૂર્યકુમાર યાદવે છગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો.

પાકિસ્તાનની બેટિંગ નિરાશાજનક
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત અત્યંત ખરાબ રહી. હાર્દિક પંડ્યાએ પહેલી જ બોલ પર સેમ અયુબને આઉટ કર્યો, જેનો કેચ બુમરાહે સરળતાથી પકડ્યો. ત્યારબાદ બુમરાહે મોહમ્મદ હારિસને આઉટ કરીને પાકિસ્તાનને 6 રનના સ્કોર પર જ બીજો ફટકો આપ્યો.

ફખર ઝમાન અને ફરહાન વચ્ચેની ભાગીદારીને અક્ષર પટેલે તોડી, જ્યારે ફખર ઝમાન 17 રન બનાવીને આઉટ થયા. ત્યારપછી કુલદીપ યાદવનો જાદુ ચાલ્યો અને તેણે એક જ ઓવરમાં હસન નવાઝ અને મોહમ્મદ નવાઝને આઉટ કરીને પાકિસ્તાનની કમર તોડી નાખી. અંતે પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 127 રન જ બનાવી શકી. ભારત તરફથી બોલિંગમાં કુલદીપ યાદવે 3, જ્યારે જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી હતી.

ભારતની આક્રમક બેટિંગ અને સૂર્યાની અણનમ ઇનિંગ્સ
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતથી જ આક્રમક મૂડમાં જોવા મળી. જોકે, શુભમન ગિલ (10 રન) અને અભિષેક શર્મા (31 રન) જલ્દી આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ કપ્તાન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ પાકિસ્તાનના બોલરોને કોઈ તક આપી નહીં. બંને વચ્ચે 56 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. તિલક વર્મા (31 રન) આઉટ થયા બાદ પણ એક છેડે કપ્તાન સૂર્યકુમાર યાદવ ટકી રહ્યા અને 47 રનની અણનમ ઇનિંગ્સ રમીને ભારતને 16મી ઓવરમાં જ જીત અપાવી હતી. સૂર્યાએ પોતાની ઇનિંગ્સમાં નિર્ણાયક સમયે છગ્ગા ફટકારીને જીતને વધુ રોચક બનાવી દીધી હતી.