દિપક હુડ્ડાની 4 વિકેટ, સિરાજ-ચહલને ફાળે 2 વિકેટ, ભુવી અને સુંદરે ઝડપી એક વિકેટ

ભારત 191/6, સૂર્યકુમાર 111, ઇશાન કિશન 36 રન, ન્યુઝીલેન્ડ 126 રન, વિલિયમ્સન 61

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ ભારતે 65 રને જીતી લીધી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તે મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં આ મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા ભારતે સૂર્યકુમારની સદીના કારણે ન્યૂઝીલેન્ડ સામે 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ સાથે જ ન્યુઝીલેન્ડ માટે ટિમ સાઉથીએ હેટ્રિક લીધી હતી. જવાબમાં કિવી ટીમ 18.5 ઓવરમાં 126 રન જ બનાવી શકી અને 65 રનથી મેચ હારી ગઈ.

ન્યુઝીલેન્ડ તરફથી ફિન એલન અને ડેવોન કોનવે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન એલન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. કોનવેએ 22 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. ગ્લેન ફિલિપ્સ 12 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 બોલનો સામનો કરતી વખતે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ડેરીલ મિશેલ 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જેમ્સ નીશમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને ચહલે આઉટ કર્યો હતો.

સેન્ટનર માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. કેન વિલિયમસને કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. તેણે 52 બોલનો સામનો કરીને 61 રન બનાવ્યા હતા. વિલિયમસને 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. એડમ મિલ્ને 6 રન બનાવીને આઉટ થયો હતો. ઈશ સોઢી 1 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે આખી ટીમ 126 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.

હુડ્ડાએ ખતરનાક બોલિંગ કરી
દીપક હુડ્ડાએ ટીમ ઈન્ડિયા માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 2.5 ઓવરમાં માત્ર 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં માત્ર 12 રન આપીને એક વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને એક પણ વિકેટ મળી ન હતી. તેણે 3 ઓવરમાં 29 રન આપ્યા હતા.

સૂર્યાએ અણનમ સદી ફટકારી હતી
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. તેણે માત્ર 51 બોલનો સામનો કરીને અણનમ 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમારની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા 13-13 રન બનાવીને આઉટ થયા હતા. રિષભ પંત 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. લોકી ફર્ગ્યુસને 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. તેણે 2 વિકેટ પણ લીધી હતી. ઈશ સોઢીએ 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી. આ સિવાય કોઈ બોલરને વિકેટ મળી નથી.