ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીના JSCA સ્ટેડિયમમાં આજે ચોથી ટેસ્ટનો પ્રથમ દિવસ ઈંગ્લેન્ડના નામે રહ્યો હતો. વહેલી વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લિશ ટીમ મેચમાં વાપસી કરવામાં સફળ રહી છે. દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 302 રન બનાવી લીધા હતા.

જો રૂટ 106 રન બનાવીને ક્રીઝ પર છે. તે જ સમયે, ઓલી રોબિન્સન 31 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો છે. જેક ક્રાઉલીએ 42 રનનું યોગદાન આપ્યું હતું.
બોલિંગમાં, ટેસ્ટના પ્રથમ દિવસે, આકાશ દીપે ભારત તરફથી સૌથી વધુ 3 વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી.

આકાશ દીપની ત્રણ વિકેટે ઈંગ્લેન્ડની ટીમને હચમચાવી નાખી હતી, તેણે બેન ડકેટ (11), ઓલી પોપ (0) અને જેક ક્રોલી (42)ને પેવેલિયન ભેગા કરી દીધા હતા, ત્યારબાદ ભારતીય સ્પિનરોએ વારો લીધો હતો જેમાં અશ્વિને જોની બેયરસ્ટોને અને રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને આઉટ કરીને ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.
જેમાં બેયરસ્ટો 38 રન અને સ્ટોક્સ ત્રણ રન બનાવી શક્યા હતા.

લંચ સુધી પ્રથમ સેશનમાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. આ પછી બીજા સેશનમાં જો રૂટ અને બેન ફોક્સે એકપણ વિકેટ પડવા દીધી ન હતી.
આ સત્રમાં બંનેએ મળીને 86 રન ઉમેર્યા હતા.

સિરાજે ત્રીજા સેશનમાં ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરી રૂટ અને ફોક્સની 113 રનની ભાગીદારી તોડી નાખી હતી અને ફોક્સ અડધી સદી ચૂકી ગયો અને તે 47 રન બનાવીને સિરાજના બોલ પર કેચ આઉટ થયો હતો. તે જ સમયે, ટોમ હાર્ટલી 13 રન બનાવીને સિરાજના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. રૂટે તેની ટેસ્ટ કારકિર્દીની 31મી સદી ફટકારી હતી. તેણે ઓલી રોબિન્સન સાથે મળીને ઈંગ્લેન્ડની ઇનિંગ્સને સંભાળી છે.

ભારત તરફથી આકાશે અત્યાર સુધીમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી છે. આ સાથે જ સિરાજને બે વિકેટ મળી હતી.
રવિન્દ્ર જાડેજા અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી. ત્રીજા સેશનમાં ઈંગ્લેન્ડે 29 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા હતા.

બંને ટીમના 11 ખેલાડીઓ રમી રહ્યા છે

-ઈંગ્લેન્ડના 11 ખેલાડીઓ

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન અને શોએબ બશીર.

-ભારતના 11 ખેલાડીઓ

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશદીપ અને મોહમ્મદ સિરાજ.