પીચ પર મેચના આગલા દિવસે 9 MM ઘાસ છોડવામાં આવ્યું હતું અને મેચના દિવસે હવે ઘાસ 6 MM જેટલું જ રાખવામાં આવ્યું, પ્રથમ દૃષ્ટિએ પીચ ફાસ્ટ બોલરને કરી શકે છે મદદ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચનો દિવસ આવી ગયો છે. આજે 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ જંગ શરૂ થશે. ICCએ મેચ માટે એક નહીં પરંતુ બે પિચો બનાવી છે. જોકે જેના પર મેચ રમાવાની છે તે પીચ કેવી છે અને ફાસ્ટર કે સ્પિન બોલરને મદદ કરશે કે નહીં અને જો કરશે તો કોણ વધુ ફાવશે તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે. જોક નમસ્કાર ગુજરાતના પ્રતિનિધિ આ તમામ સવાલોનો જવાબ આપવા માટે લંડનના ધ ઓવલ મેદાનમાં પહોંચી ચૂક્યા છે અને તમારા સવાલોનો જવાબ આ અહેવાલ દ્વારા અમે આપને આપીશું …..

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે, જ્યારે બીજી તરફ ભારત છેલ્લી વખત ટાઇટલ મેચમાં હારી ગયું હતું. તેને ન્યુઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો. ટીમ ઈન્ડિયાની નજર આ વખતે ટાઈટલ પર રહેશે. બંને ટીમ ઓવલ પહોંચી ગઈ છે. તૈયારીઓ વચ્ચે પિચની પ્રથમ તસવીર સામે આવી છે.

ઓવલની પીચ જોઈને બેટ્સમેનોની અંદર ડર બેસી ગયો હશે. સાથે જ બોલરો પણ ખુશ થયા હશે. અંડાકાર પીચની જે પ્રથમ તસવીર સામે આવી છે તેને જોઈને આ વાત કહી શકાય. હકીકતમાં પીચ પર ઘાસ છોડી દેવામાં આવ્યું છે. લીલી પીચ પર બોલરોને ફાયદો થશે. તે જ સમયે, બેટ્સમેનોને અહીં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પીચ પર કેટલું ઘાસ છોડવામાં આવ્યું ?
પિચ પર ગઈકાલે ૯ MM ઘાસ હતું જે આજે ૬ MM કરી દેવાયું છે. પીચ એક નજરે જોતા પેસ બોલરો માટે માફક આવે તેમ છે. ઑસિ. બોલર શીન એબોટ જે સરે કાઉન્ટી તરફથી રમે છે તેણે પીચ ફાયરી બાઉન્સી હોવાનો સંકેત આપ્યો છે. અમુક વર્ષો અગાઉ સરે માટે જ રમી ચૂકેલા ટીમ ઇન્ડિયાના ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ ક્યુરેટર સાથે વાત કરીને પીચનો મિજાજ કેવો હશે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

ભારતીય બેટ્સમેનોની કસોટી થશે
આ પીચ પર ભારતીય બેટ્સમેનોની કસોટી થશે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને આવી પીચો પર રમવાની આદત છે, પરંતુ ભારતીય ખેલાડીઓને આવી પીચો મળતી નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં સ્પિન પિચોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આઈપીએલમાં ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં મોટાભાગના બેટ્સમેનો માટે પિચ તૈયાર કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં જ્યારે ભારતીય ખેલાડીઓ ઓવલમાં પ્રવેશ કરશે ત્યારે ઓસ્ટ્રેલિયાના બોલરો સામે તેમની કસોટી થશે.

રોહિત શર્માએ શું કહ્યું?
જ્યારે પત્રકારોએ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને અશ્વિન વિશે પૂછ્યું તો ભારતીય કેપ્ટને પીચનો ઉલ્લેખ કરતા કહ્યું, “હું એમ નથી કહેતો કે રવિચંદ્રન અશ્વિન નહીં રમે. અમે તેના માટે આવતીકાલ સુધી રાહ જોઈશું, કારણ કે મેં અહીં એક વસ્તુ નોંધી છે કે પિચ સતત બદલાતી રહે છે. આજે પિચ થોડી અલગ દેખાઈ રહી છે. મેચના દિવસે અન્ય કેટલાક ફેરફારો થઈ શકે છે. આ વિશે કોઈ જાણતું નથી. ટીમના ખેલાડીઓ માટે સ્પષ્ટ સંદેશ છે કે તમામ 15 ખેલાડીઓ હંમેશા રમવા માટે તૈયાર રહે.

ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ
ઓવલ ક્રિકેટ સ્ટેડિયમની સ્થાપના 1845માં કરવામાં આવી હતી. આ મેદાન પર અત્યાર સુધીમાં 104 ટેસ્ટ મેચ રમાઈ છે. ઈંગ્લેન્ડે 43 મેચ જીતી છે અને મુલાકાતી ટીમે 23 ટેસ્ટ જીતી છે. આ દરમિયાન 37 મેચ ડ્રો રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ સારો નથી. ટીમ ઈન્ડિયાએ અહીં 14 મેચ રમી છે. આ દરમિયાન માત્ર બે મેચ જીતી શકી છે. ભારતે પાંચ ટેસ્ટ હારી છે અને સાત ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો અહીં 38 મેચમાં તેણે માત્ર સાત મેચ જીતી છે. 17માં કાંગારૂઓને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં 14 ટેસ્ટ ડ્રો કરવામાં આવી છે.