હાર્દિકે સિક્સ મારી ઈન્ડિયન ટીમને મેચ જિતાડી, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું
T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2o21) માં ભારતીય ટીમના અભિયાનની શરૂઆતમાં માત્ર 4 દિવસ બાકી છે. 24 ઓક્ટોબર રવિવારે ભારતીય ટીમ તેમના કટ્ટર હરીફ પાકિસ્તાન (Pakistan) સામે ટકરાશે. આ મેચ પહેલા, ભારતીય ટીમને પ્રેક્ટિસ મેચમાં રમવાની તક મળી હતી, જેથી તેઓ તેમની તૈયારીઓ જોઈ શકે. ઈંગ્લેન્ડ સામેની જીત બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં પણ સારું પ્રદર્શન કર્યું અને જીત નોંધાવી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી
બીજી વોર્મ અપ મેચમાં ઈન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું છે. આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 152/5નો સ્કોર કર્યો હતો. જેમાં ટીમ માટે સ્ટીવ સ્મિથે 57 રનની ઈનિંગ રમી હતી તો બીજી બાજુ ઈન્ડિયન ટીમના સ્પિનર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી.
રોહિત-રાહુલની વિસ્ફોટક શરૂઆત
153 રનના ટાર્ગેટને ચેઝ કરતા ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ કરીને 17.5 ઓવરમાં 8 વિકેટથી આ મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાએ સિક્સ મારીને ટીમને આ મેચ જિતાડી હતી. જેમાં તેણે 8 બોલમાં 14 અને સૂર્યકુમારે 27 બોલમાં 38* રનની ઈનિંગ રમી હતી. આની પહેલા ઈન્ડિયન ટીમે પહેલી વોર્મ અપ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું.
5 ચોગ્ગા, 3 છગ્ગા અને અડધી સદી
કેએલ રાહુલ (KL Rahul) સાથે ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ ધીમી શરૂઆત કરી અને પ્રથમ 30 બોલમાં માત્ર 32 રન બનાવ્યા. આ દરમિયાન ભારતીય ઓપનરે કેટલાક સારા શોટ લગાવ્યા હતા. પરંતુ રનની ગતિ ખૂબ ઝડપી નહોતી. ત્યારબાદ 31 માં બોલ પર રોહિતે સિક્સર ફટકારી હતી અને અહીંથી તેણે હાથ ખોલીને 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત 41 બોલ સુધી ક્રિઝ પર રહ્યો, આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 વિશાળ છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા અને પછી પોતે રીટાર્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
રોહિતની ઇનિંગ પાકિસ્તાનને માથાનો દુખાવો વધારશે
રોહિતની આ ઇનિંગથી ટીમ ઇન્ડિયાને મોટી રાહત મળી હોત. રોહિતની આ ઇનિંગથી પાકિસ્તાની ટીમના ધબકારામાં પણ વધારો થયો હશે. રોહિતે અગાઉ 2019 વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. હવે ફરી વર્લ્ડ કપમાં પાકિસ્તાન રોહિતનો સામનો સારા ફોર્મમાં કરશે. જે બાબર આઝમની ટીમ માટે સારા સમાચાર નથી.