કેમેરુન ગ્રીન (118 રન), ખ્વાજા (180 રન)ની સદી બાદ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ મજબૂત, અશ્વિને ઝડપી 6 વિકેટ

બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે એકપણ વિકેટ ગુમાવી ન હતી. 10 ઓવરની રમતમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી મજબૂત રહી. બંને બેટ્સમેનોએ 36 રન બનાવ્યા છે. રોહિત 17 અને ગિલ 18 રન બનાવીને રમી રહ્યા છે. જોકે, ભારત હજુ પણ પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયા કરતા 444 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા.

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમનો પ્રથમ દાવ 480 રન પર સમાપ્ત થયો હતો. આજે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે 255 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીન ક્રિઝ પર હાજર હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 208 રનની ભાગીદારી કરી હતી. કેમેરોન ગ્રીને આઉટ થતા પહેલા ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે 170 બોલમાં 114 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને ગ્રીનને વિકેટકીપર કેએસ ભરતના હાથે કેચ કરાવ્યો હતો. આ જ ઓવરમાં અશ્વિને એલેક્સ કેરીને પણ પેવેલિયન મોકલી દીધો હતો. કેરી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

આ પછી ઓસ્ટ્રેલિયાને 387ના સ્કોર પર સાતમો ઝટકો લાગ્યો હતો. રવિચંદ્રન અશ્વિને મિશેલ સ્ટાર્કને શ્રેયસ અય્યરના હાથે શોર્ટ લેગ પર કેચ કરાવ્યો હતો. સ્ટાર્ક છ રન બનાવી શક્યો હતો. ચાના સમય સુધીમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ ગુમાવીને 409 રન બનાવ્યા હતા. ચા પછીની પહેલી જ ઓવરમાં ઉસ્માન ખ્વાજાને અક્ષર પટેલે એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તે 422 બોલમાં 180 રન બનાવી શક્યો હતો. આ પછી નાથન લિયોન અને ટોડ મર્ફીએ નવમી વિકેટ માટે 70 રનની ભાગીદારી નોંધાવી હતી. અશ્વિને મર્ફી (41)ને એલબીડબલ્યુ અને પછી લિયોન (34)ને કોહલીના હાથે કેચ આઉટ કરાવીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને 480 રનમાં સમેટી લીધી હતી.

અશ્વિને આ ઇનિંગમાં કુલ છ વિકેટ ઝડપી હતી. 32મી વખત તેણે ટેસ્ટમાં એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. તે જ સમયે, તેણે ભારતની ધરતી પર 26મી વખત આ કર્યું. ઓસ્ટ્રેલિયા સામે સાતમી વખત અશ્વિને ટેસ્ટમાં એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધી કાંગારૂઓ સામે ટેસ્ટમાં 113 વિકેટ ઝડપી છે. અશ્વિન સિવાય શમીને બે વિકેટ મળી હતી. તે જ સમયે, અક્ષર-જાડેજાને એક-એક વિકેટ મળી હતી.

ભારતીય ટીમ માટે અમદાવાદ ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે. જો મેચ હાર અથવા ડ્રોમાં સમાપ્ત થાય છે, તો ભારતે શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ શ્રેણી પર નિર્ભર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયા પહેલા જ ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે.