કોહલીએ સૌથી વધુ 186 રન ફટકાર્યા, અક્ષર પટેલ 79 રન, ભરત 44 રન, બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા વિના વિકેટે 3 રન

અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 571 રન બનાવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં કોઈ પણ નુકશાન વિના 3 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને મેથ્યુ કુનહેમેન અણનમ પરત ફર્યા હતા. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ સૌથી વધુ 186 રન બનાવ્યા હતા. આ રીતે પ્રથમ દાવના આધારે ટીમ ઈન્ડિયાને 91 રનની લીડ મળી ગઈ છે. ભારત તરફથી વિરાટ કોહલી સિવાય શુભમન ગિલે 128 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય ઓલરાઉન્ડર અક્ષર પટેલે 79 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે 44 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન બોલરોને ચોતરફ ફટકાર્યા
ઓસ્ટ્રેલિયાના બોલરોની વાત કરીએ તો ઓફ સ્પિનર ​​નાથન લિયોન અને ટોડ મર્ફીને સૌથી વધુ 3-3 સફળતા મળી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક અને મેથ્યુ કુનહેમેનને 1-1 વિકેટ મળી હતી. જો કે હવે આ ટેસ્ટ મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું અને 480 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 180 રન બનાવ્યા હતા. આ સિવાય ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને 114 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

અત્યાર સુધીની મેચમાં શું થયું?
ભારત તરફથી રવિ અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં રવિ અશ્વિને 6 વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ શમીને 2 સફળતા મળી છે. જ્યારે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. જો કે આ સીરીઝની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. ભારતીય ટીમે નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જોકે ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટમાં ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. અમદાવાદ ટેસ્ટને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.