વિદેશમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ પૈકી છેલ્લા પાંચ વર્ષમાં કુલ 403 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હોવાનો ખુલાસો થયો છે,આ આંકડો વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયો છે.
કેનેડામાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 91 જેટલા ભારતીય વિદ્યાર્થીઓના મોત થવા મામલે ટ્રુડો સરકારની ચિંતા વધી છે, કેનેડિયન સરકારે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારે તે દિશામાં પગલાઓ ભરી રહી છે.
કેનેડા સરકારનું લક્ષ્ય 2024-2025નાં શૈક્ષણિક વર્ષની શરૂઆતથી પહેલા આ નવા ઐતિહાસિક પગલાઓ લાગૂ કરવાનું છે.
કેનેડાનાં ઈમિગ્રેન્ટ્સ, શરણાર્થી અને નાગરિકતાનાં સરકારી વિભાગે કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી ચિંતાઓને દૂર કરવા, વિકસિત કરવા માટે પ્રાંતો અને શિક્ષણ સંસ્થાનોએ સાથે મળીને કામ કરવા ઉપર ભાર મુકવા પ્રયાસો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2018 બાદથી છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં કુલ 403 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હોવાનો આંકડો વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયો છે.
આ 403 વિદ્યાર્થીઓ પૈકી 91 ભારતીય વિદ્યાર્થીઓના મોત કેનેડામાં થયા છે.
વિદેશ મંત્રાલય દ્વારા અપાયેલા આ મોતના કારણોમાં પ્રાકૃતિક, દુર્ઘટના અને ચિકિત્સક સ્થિતિઓ સહિતનાં કારણો દર્શાવાયા છે.
વિદેશ મંત્રાલયનાં રાજ્યમંત્રી વી મુરલીધરને જણાવ્યું કે કેનેડામાં 91, બ્રિટનમાં 48, રશિયામાં 40, અમેરિકામાં 36 અને ઑસ્ટ્રેલિયામાં 35 વિદ્યાર્થીઓના મોત થયા છે.
વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે 2018 થી 2022 વચ્ચે 5.67 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયા છે અને આ જ સમયગાળામાં અમેરિકા અભ્યા્સ માટે ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 6.21 લાખ છે. આમ અમેરિકા બાદ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે બીજી પસંદ બન્યુ છે.
વિદેશમાં સ્ટુડન્ટ વિઝા ઉપર જતા ભારતીય યુવાનોમાં વિદેશ જઈ કમાવાનો ક્રેઝ ખુબજ ઝડપથી વધી રહ્યો છે ત્યારે બીજી તરફ આવા બનાવો પણ ચિંતાનો વિષય બન્યા છે.