ઇસ્ટરની રજાઓમાં હોટેલના સ્વિમિંગ પુલમાં બે વર્ષીય દીકરી ડૂબતા બચાવવા જતાં માતા-પિતા તથા દાદાએ છલાંગ લગાવી, દીકરી અને માતાનો બચાવ, પિતા અને દાદાના મોતથી ભારતીય મૂળના લોકોમાં આઘાત, ઇસ્ટર વેકેશનની રજાઓ પરિવાર માટે શોકમાં ફેરવાઇ
મેલબોર્નના 38 વર્ષીય ધર્મવીરસિંહ અને 65 વર્ષીય ગુર્જીંદરસિંહનું મોત
ગોલ્ડ કોસ્ટ(GoldCoast) ના સર્ફર્સ પેરેડાઇઝ (Surfers Paradise) ખાતે રજાઓ માણવા આવેલા મેલબોર્નના ભારતીય મૂળના પરિવાર પર આભ ફાટ્યું છે. કારણ કે પરિવારે એક ગોઝારા અકસ્માતમાં પરિવારના બંને મોભીને ગુમાવવાનો વારો આવ્યો છે. ગઇકાલે એટલે કે રવિવારે સાંજે લગભગ 6.45 વાગે સર્ફર્સ પેરેડાઈઝમાં માર્ક હોટેલ એપાર્ટમેન્ટના ટોપ ફ્લોર પર ઇમર્જન્સી સર્વિસને બોલાવવામાં આવી હતી જ્યારે બે માણસો છતના પૂલમાંથી બેભાન થઈ ગયા હતા.
આ ગોઝારા અકસ્તામાં હવે હોટલના પૂલમાં ડૂબી ગયેલા પિતા અને દાદાની ઓળખ વિક્ટોરિયાના ક્લાઈડ નોર્થના 38 વર્ષીય ધર્મવીર સિંહ અને 65 વર્ષીય ગુરજિન્દર સિંઘ તરીકે થઈ છે. આ લોકો પરિવાર સાથે રજાઓ માણી રહ્યા હતા અને સર્ફર્સ પેરેડાઇઝમાં માર્ક એપાર્ટમેન્ટ હોટલના ટોપ ફ્લોર પર રોકાયા હતા.
ધર્મવીર સિંહની બે વર્ષની પુત્રી રવિવારે સાંજે સ્વિમિંગ પૂલમાં અચાનક લપસી ગઈ હતી. બંને જણા બાળકીને બચાવવા દોડી ગયા પરંતુ ટૂંક સમયમાં પૂલના ઊંડા છેડામાં ડૂબ્યા હતા. બાળકીને કોઈ પણ પ્રકારની શારીરિક ઈજા વિના પાણીમાંથી ખેંચી લેવામાં આવી હતી, પરંતુ તેના પિતા અને દાદા પહેલાથી જ હ્રદયરોગના હુમલામાં આવી ગયા હતા. તેમને નજીકના લોકો દ્વારા બચાવી બહાર ખેંચી લેવામાં આવ્યા હતા. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે દીકરીને ડૂબતા બચાવવા જતાં બંનને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો.
ક્વીન્સલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસ (ક્યુએએસ)ના ઇન્સ્પેક્ટર મિશેલ વેરે જણાવ્યું હતું કે બંને પિતા-પુત્ર પર સીપીઆર કરવા માટે બાયસ્ટેન્ડર્સ અને પેરામેડિક્સના પ્રયત્નો છતાં, બંનેમાંથી કોઈને પુનર્જીવિત કરી શકાયા નહતા. અને તેઓને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણેે જણાવ્યું હતું કે અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક દૃશ્યો હતો. “સ્વાભાવિક રીતે, કોઈ પણ સમજી શકે છે કે – માત્ર એક પરિવારના સભ્યને ગુમાવવા માટે નહીં પરંતુ પરિવારના બે સભ્યોને એક સાથે ગુમાવવા પડ્યા હોય ત્યારે આઘાત લાગવો સ્વાભાવિક છે.
ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિ જણાવ્યું હતું કે “આ ખૂબ જ ભયાનક હતું.” આ તરફ બિલ્ડિંગના રહેવાસી એલી અલાવીએ જણાવ્યું હતું કે તે તેના એપાર્ટમેન્ટમાંથી દ્રશ્ય જોયા પછી ઊંઘી શકતી નહોતી.