પાકિસ્તાનમાં ભારે ઉત્સુકતા વચ્ચે મતગણતરી ચાલુ છે અને શરૂઆતના ટ્રેન્ડમાં જે સીટો પર ઈમરાન ખાનની પાર્ટી આગળ દેખાતી હતી, હવે આ સીટો પર નવાઝ શરીફની પાર્ટી આગળ જોવા મળી રહી છે.
વડાપ્રધાન બનવાની તૈયારી કરી રહેલા નવાઝ શરીફ, તેમના ભાઈ શાહબાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ શરીફ પોતપોતાની બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે. નવાઝ શરીફ લાહોરની NA130 સીટ પરથી જીત્યા છે, શેહબાઝ શરીફ લાહોરની PP-158 સીટ પરથી જીત્યા છે જ્યારે મરિયમ નવાઝે લાહોરની PP-159 સીટ પરથી જીત મેળવી છે.
અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો અનુસાર 53 બેઠકો માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં ઈમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 18 બેઠકો જીતી છે. આ સાથે જ નવાઝ શરીફની પાર્ટી પીએમએલએનને 17 બેઠકો મળી છે. બિલાવલ ભુટ્ટોની પીપીપીએ 15 સીટ પર, પીએમએલને એક સીટ પર, બીએનપીને 1 સીટ પર અને એમક્યુએમને એક સીટ પર જીત મળી છે. આ પહેલા પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે ઈમરાનની પાર્ટી 154 સીટો પર આગળ ચાલી રહી છે. પરંતુ હવે પરિણામો અચાનક બદલાતા જોવા મળી રહ્યા છે.
મતગણતરી વચ્ચે પાકિસ્તાનમાં સ્થિતિ એટલી તંગ બની ગઈ છે કે પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર ગાયબ હોવાનું કહેવાય છે.
આ દાવાથી પાકિસ્તાનમાં ચૂંટણી ષડયંત્રની આશંકા વધી ગઈ છે. અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજાએ તમામ રિટર્નિંગ ઓફિસરો (RO)ને અંતિમ પરિણામ આપવા માટે 30 મિનિટની સમય મર્યાદા આપી હતી, તેમણે કહ્યું હતું કે જો તેઓ આમ નહીં કરે તો સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા મત ગણતરીમાં વિલંબ મામલે નિવેદન બહાર પાડ્યું છે.
તેમણે વિલંબ માટે સંદેશાવ્યવહારના અભાવને જવાબદાર ગણાવ્યો.
ગૃહ મંત્રાલયે કહ્યું કે ચૂંટણી અને મતગણતરી માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામા આવી છે.
જોકે,પાકિસ્તાન મીડિયા દ્વારા મતગણતરી દરમિયાન સામે આવેલા પરિણામો પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
વાસ્તવમાં, સામાન્ય રીતે પાકિસ્તાનમાં દર વખતે ચૂંટણી પછી તરત મતોની ગણતરી શરૂ થાય છે અને દર વખતે ચૂંટણી બાદ મતગણતરી થાય છે જે મોડી રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે, પરંતુ આ વખતે એવું બન્યું નથી.
પાકિસ્તાનમાં આજે મતગણતરીનો બીજો દિવસ છે, પરંતુ હજુ સુધી મોટાભાગની સીટો પર સ્થિતિ સ્પષ્ટ નથી.
શરૂઆતમાં, જે સીટો પર ઈમરાન ખાનની પાર્ટી જીતનો દાવો કરી રહી હતી, હવે ચૂંટણી પંચ નવાઝ શરીફની પાર્ટી પીએમએલએનને લીડ બતાવી રહ્યું છે.
આમ,હવે ચૂંટણી અને મતગણનામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો શરૂ થયા છે.