બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. બોમ્બ સ્ક્વોડ, ફોરેન્સિક અને NIAની ટીમો વિસ્ફોટની તપાસ કરી રહી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ રામેશ્વરમ કાફેમાં થયેલો વિસ્ફોટ બોમ્બ વિસ્ફોટ હોવાની પુષ્ટિ કરી છે. બ્લાસ્ટ અંગેના મહત્વના પુરાવા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. કારણ કે, ફૂટેજમાં એક વ્યક્તિ કેફેની અંદર બેગ રાખતો જોવા મળે છે. લોકોએ દાવો કર્યો છે કે બેગ કેશિયર કાઉન્ટર પર રાખવામાં આવી હતી અને અચાનક તેમાં બ્લાસ્ટ થયો.
અત્રે ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં રામેશ્વરમ કાફે તેના ઢોસા માટે ખૂબ પ્રખ્યાત છે અને શહેરમાં તેની ઘણી શાખાઓ છે.
આ કાફેની સ્થાપના વર્ષ 2022માં કરવામાં આવી હતી. સવારે 6:30થી બપોરે 1:00 વાગ્યા સુધી અહીં ખૂબ ભીડ રહે છે.
બ્લાસ્ટની ઘટના અંગે સૌથી પહેલા ફાયર બ્રિગેડ અને વ્હાઇટફિલ્ડ પોલીસે જણાવ્યું કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે જોકે,કેફેમાં બ્લાસ્ટના સ્થળ પરથી એક બેટરી, બળી ગયેલી બેગ અને કેટલાક આઈડી કાર્ડ મળી આવ્યા હતા. રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું- વિસ્ફોટ એક સિટીંગ એરિયામાં થયો હતો અને ત્યાં કોઈ સિલિન્ડર નહોતો. આ બાબતે તપાસ કરી રહ્યા છીએ. ડીજીપીએ કહ્યું કે અમે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
ભાજપના બે સાંસદોએ વિસ્ફોટ પર શંકા વ્યક્ત કરી અને દાવો કર્યો કે તે બોમ્બ બ્લાસ્ટ હતો.
સાંજે 5:30 વાગ્યે, સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું- આ એક ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ હતો. એક વ્યક્તિ કેફેમાં એક બેગ છોડીને ગયો અને ત્યારબાદ વિસ્ફોટ થયો હતો.
આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી છે