ICCએ પહેલા ભારતને નંબર વન જાહેર કર્યું, ભૂલ સમજાતા વેબસાઇટ પર નવી યાદી જાહેર કરી
ICCએ મંગળવારે ટીમ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી ત્યારે ભારતે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં નંબર વનનો તાજ પાછો મેળવ્યો. નવીનતમ અપડેટ કરાયેલ ICC રેન્કિંગમાં, ભારત 115 પોઈન્ટ સાથે ટોચ પર દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયા 15 પોઈન્ટના ઘટાડા પછી બીજા સ્થાને દર્શાવવામાં આવ્યું હતું.
ભારત નંબર વન બન્યા બાદ ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી, પરંતુ તેમની ખુશી માત્ર અડધો કલાક જ ટકી શકી હતી કારણ કે અડધા કલાકમાં જ ભારત પાસેથી નંબર વનનો તાજ છીનવીને ફરીથી ઓસ્ટ્રેલિયાને આપવામાં આવ્યો હતો. આ બધું ICCની ભૂલને કારણે થયું હતું.
આઈસીસીની વેબસાઈટ પર અપડેટ કરાયેલી લેટેસ્ટ રેન્કિંગ અનુસાર, ભારત 115 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર જોવા મળ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયા 111 પોઈન્ટ સાથે બીજા નંબર પર સરકી ગયું છે. આ પછી સોશિયલ મીડિયા પર ખુશીની સાથે એ સવાલ પણ ઉઠ્યો હતો કે શા માટે અને કેવી રીતે ઓસ્ટ્રેલિયાના 15 પોઈન્ટ કોઈ મોટી હાર વગર કપાઈ ગયા હતા.
ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ તરત જ પોતાની ભૂલ સુધારી અને ઓસ્ટ્રેલિયાને ફરી નંબર વન પર બતાવ્યું. અડધા કલાક સુધી નંબર 1 રહ્યા બાદ ભારત ફરીથી બીજા સ્થાને આવી ગયું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવાની બાકી છે. ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી વ્હાઇટવોશ કર્યું હતું.