કોરોનાની બીજી લહેરનુ જોર તો ઓછુ થઈ ગયુ છે પણ ત્રીજી લહેરની આશંકા લોકોને ડરાવી રહી છે.

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોના સંક્રમણથી દરેક ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. હવે માસ્ક લોકોના જીવનનો જાણે અનિવાર્ય હિસ્સો બની ગયુ છે ત્યારે એ પણ સવાલ છે કે, ક્યાં સુધી માસ્ક પહેરીને ફરવુ પડશે.

તેના જવાબમાં નીતિ આયોગના સ્વાસ્થ્ય ક્ષેત્રના સભ્ય ડો.વી.કે.પોલનુ કહેવુ છે કે, કોરોનાની ત્રીજી લહેરની શક્યતા છે ત્યારે લોકોએ ઓછામાં ઓછુ આગામી વર્ષ સુધી તો માસ્ક પહેરવુ જ પડશે. કોવિડની ગાઈડલાઈનનુ પાલન લોકોએ ચાલુ જ રાખવુ પડશે.

તેમણે કહ્યુ હતુ કે, સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે માસ્ક જરૂરી છે.જે રીતે કોરોનાના વેરિએન્ટ સામે આવી રહ્યા છે અને ત્રીજી લહેરનો ખતરો છે તે જોતા કોવિડથી  બચાવ માટેના ઉપાયોનુ પાલન કરવુ જરૂરી છે. જે રીતે દુનિયાના બીજા દેશોમાં સ્થિતિ છે તે જોતા કોરોનાની ત્રીજી લહેરથી ઈનકાર થઈ શકે તેમ નથી. આગામી ત્રણ ચાર મહિના બહુ મહત્વના હશે. દેશમાં રસીકરણ ઝડપી બનાવાઈ રહ્યુ છે. જેથી લોકોમાં હર્ડ ઈમ્યુનિટી તૈયાર કરી શકાય.

ડો.પોલે ચેતવણી આપતા કહ્યુ હતુ કે, હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે આ દરમિયાન જો સ્હેજ પણ લાપરવાહી વરતી તો તે ભયાનક સાબિત થઈ શકે છે. તહેવારોના સમયમાં કોરોનાના ફેલાય તે માટે અગાઉથી સૂચનાઓ આપવી પણ જરૂરી છે. ઉપરાંત લોકોએ પણ તહેવારોની ઉજવણીના ઉત્સાહમાં કોરોનાને ભુલવો જોઈએ નહીં અને તમામ ગાઈડ લાઈનનુ પાલન કરવુ જોઈએ.