અક્ષય કુમારે કર્યું ટ્વિટ : હસી હસીને લોટપોટ કરવા માટે રિતેશ દેશમુખને પણ મળ્યું સ્થાન

અક્ષય કુમાર તેની શ્રેષ્ઠ ફિલ્મો માટે જાણીતો છે. તેની પાસે મોટા પડદા પર કોમેડી કૌશલ્ય પણ છે. અક્ષયે ઘણી કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે. તે હાઉસફુલની તમામ ફ્રેન્ચાઈઝીમાં જોવા મળ્યો છે. અને હવે સમાચાર આવી રહ્યા છે કે અક્ષય કુમાર હાઉસફુલ 5 માટે સાજિદ નડિયાદવાલા સાથે હાથ મિલાવશે. અક્ષયે પોતે આ અંગે માહિતી આપી છે અને જણાવ્યું છે કે આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવશે.

ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ફિલ્મમેકર સાજીદ નડિયાદવાલાના ફેન્સ માટે સારા સમાચાર છે. સાજિદ તેની આગામી ફિલ્મ હાઉસફુલ 5 માટે તૈયારી કરી રહ્યો છે. ભારતીય સિનેમામાં પાંચ હપ્તાઓ ધરાવતી આ પહેલી ફિલ્મ બનશે. અક્ષય કુમારે તેના ચાહકો વચ્ચે આ રસપ્રદ સમાચાર શેર કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, પાંચમી વખત ગાંડપણ માટે તૈયાર થઈ જાઓ. સાજિદ નડિયાદવાલા તમારા માટે હાઉસફુલ 5 લઈને આવ્યા છે. જેનું નિર્દેશન તરુણ મનસુખાની કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

હાઉસફુલ 5માં અક્ષય કુમાર સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળશે. રિતેશ અને અક્ષય હાઉસફુલની અગાઉની ફ્રેન્ચાઈઝીમાં પણ સાથે જોવા મળ્યા હતા. અત્યાર સુધી આ બંને સ્ટારકાસ્ટનો ખુલાસો થયો છે, હજુ વધુ સ્ટાર્સ વિશે વધુ માહિતી આવવાની બાકી છે. થોડા મહિના પહેલા એક અહેવાલ સામે આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સાજિદ નડિયાદવાલા હાઉસફુલ ફ્રેન્ચાઈઝીના સમગ્ર વિશ્વને એકસાથે લાવવાની યોજના બનાવી રહ્યા છે.