હોન્ડાએ વિઠલાપુર પ્લાન્ટમાં 250ccના એન્જિન બનાવવાનું શરૂ કર્યું

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો વધુને વધુ ગાઢ બની રહ્યા છે, તેમાંય ગુજરાત સાથેના ઓસ્ટ્રેલિયાના વ્યાપારિક સંબંધો ધીરે ધીરે વેગ પકડી રહ્યા છે. તાજેતરમાં જ હોન્ડા કંપનીએ એલાન કર્યું છે કે ગુજરાતમાં બનતા એન્જિન ઓસ્ટ્રેલિયામાં હોન્ડા કંપનીના ટુ-વ્હિલર્સમાં લાગશે. હોન્ડા કંપનીના વિઠલાપુર પ્લાન્ટ ખાતે મેડ ઇન ગુજરાત લખેલા એન્જિન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટ માટે બનાવાશે.

ઓસ્ટ્રેલિયાની સાથે વિશ્વના અન્ય દેશોમાં પણ થશે નિકાસ
કંપનીની વર્તમાન પોલિસી પ્રમાણે ઓસ્ટ્રેલિયાના માર્કેટ ઉપરાંત થાઇલેન્ડ, અમેરિકા, કેનેડા, યુરોપ અને ખાડીના દેશોની આંતરરાષ્ટ્રીય માગ પણ ગુજરાત પ્લાન્ટમાંથી જ પૂર્ણ કરવામાં આવશે. એટલે કે હવે આ બધા દેશોમાં વેચતા હોન્ડાના 250cc અને એનાથી વધારે કેટેગરીના 2-વ્હીલર્સમાં ‘મેડ ઇન ગુજરાત’ એન્જિન લાગશે.

કંપની ગુજરાતમાં 135 કરોડથી વધુનું કરશે રોકાણ
આંતરરાષ્ટ્રીય માગમાં વધારો થતા હોન્ડા કંપનીએ ગુજરાત પ્લાન્ટની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. જેમાં વધુ 135 કરોડનું રોકાણ કરવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારો માટે એના ગુજરાત પ્લાન્ટમાંથી મિડસાઇઝ ફન મોડલ એન્જિનનું ઉત્પાદન કરશે. આંતરરાષ્ટ્રીય બજારમાં 2-વ્હીલર્સ કેટેગરીને વેગ આપવા વિઠલાપુરમાં ડેડિકેટેડ એન્જિન લાઇન શરૂ કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ, શરૂઆતમાં એક વર્ષ કુલ 50,000 એન્જિન યુનિટનું ઉત્પાદન થશે અને આ ઉત્પાદનક્ષમતા બજારની માગની જરૂરિયાત મુજબ વધશે.