ઉત્તરાખંડના હલ્દવાનીના બનભૂલપુરા વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસા અને ધાર્મિક સ્થળનું ડીમોલેશન કરવા ગયેલી પોલીસ અને પ્રશાસનની ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કરતા સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંહ, રામનગર કોટવાલ અને 300 થી વધુ પોલીસકર્મીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ ઘાયલ થયા હતા. બદમાશોએ બાનભૂલપુરા પોલીસ સ્ટેશનને પણ સળગાવી દીધું હતું.
પોલીસ જીપ, જેસીબી, ફાયર એન્જીન અને ટુ-વ્હીલર સહિત 70 થી વધુ વાહનો સળગાવી દેતા પોલીસે ટીયરગેસના શેલ અને લાઠીચાર્જ બાદ પણ પરિસ્થિતિ કાબૂમાં ન આવી ત્યારે અધિકારીઓ તેમજ પોલીસ અને સ્ટાફ જીવ બચાવવા માટે સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.
દરમિયાન સ્થિતિ કાબુ બહાર જતા પ્રશાસને બદમાશોને જોતા જ પગમાં ગોળી મારવાના આદેશ આપતા થયેલા ફાયરિંગમાં ગોળી વાગવાથી પિતા-પુત્ર સહિત છ લોકોના મોત થયા હતા.
સ્થિતિ કાબુમાં લેવા શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બાનભૂલપુરા વિસ્તારમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે બેઠક બોલાવી હતી.
ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાની ઘટના અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાની ઘટનાને ધ્યાને લઈ મુખ્યમંત્રીએ તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને જિલ્લા મેજિસ્ટ્રેટ, નૈનીતાલ સાથે સતત સંકલન જાળવવા સૂચના આપી હતી.