રાજ્યમાં સરેરાશ કરતાં 28 ટકા વધુ વરસાદ વરસ્યો, તાપીના ડોલવણમાં 7 ઇંચ, ડાંગના સુબીર અને નવસારીમાં 6-6 ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ
- દક્ષિણ ગુજરાતમાં ફરી રેડ એલર્ટ જાહેર
- રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો
- હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ તરફ સરેરાશ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 28 ટકા વધુ મેઘ મહેર આ સિઝનમાં જોવા મળી છે. જોકે ઉત્તર ગુજરાતના ખેડૂતોને આ વખતે પણ મેઘરાજા રુઠેલા જોવા મળ્યા છે. કારણ કે આ વખતે પણ અહીં ઘટ જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આજે સુરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કેટલાક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. કેટલાય ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ 54 ટકાથી વધુ, સૌથી વધુ કચ્છ ઝોનમાં 75 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંઘા
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 6 ઇંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 5 ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 5 ઇંચ અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 4 ઇંચ અને તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સોનગઢ, વ્યારા, વાસંદા, વઘઈ, ડાંગ- આહવા, ધરમપુર મળીને કુલ છ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડા, ઝાલોદ, ચિખલી, ખેરગામ, વલસાડ મળીને કુલ પાંચ તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપી, પારડી, દાહોદ, લીમખેડા, જેતપુર પાવી, અને ફતેહપુરા મળીને કુલ છ તાલુકામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો છે.
ઝોનવાઇઝ ક્યાં કેટલો વરસાદ ?
26 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 29 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 33 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.