જે માતાપિતા પોતાનાં સંતાનોને નાનપણથી મોટા થાય ત્યાં સુધી પ્રેમ-હૂંફ આપે છે તેઓને ભણાવવાથી લઈ લગ્ન સુધી તમામ જવાબદારી પૂર્ણ કરે છે અને પોતાના શોખના બલિદાન આપી બાળકો માટે બધું ન્યોછાવર કરતા હોય છે અને જ્યારે આજ બાળકો મોટા થઈને વૃદ્ધ બની ગયેલા પોતાના માતા-પિતાની અવગણના કરે તેઓને તરછોડે કે તેઓના માન-સન્માનને ઠેસ
પહોંચાડે ત્યારે માતા-પિતાને જે આઘાત લાગે તે ખૂબજ વેદના સભર હોય છે અને તે દર્દ ક્યારેક હદ વળોટે ત્યારે જીવન ટૂંકાવી લેતા હોવાના કિસ્સા સાંભળવા મળે છે જે સમાજને હચમચાવી નાખે છે, કારણ કે માતાપિતાને પોતાના સંતાનો થી વધુ આ દુનિયામાં કોઈ હોતું નથી પણ આજ સંતાન મોઢું ફેરવી લે ત્યારે જે પરિણામ આવે તે ક્યારેક ભયાનક હોય છે.

જે પુત્રને લાખ્ખો રૂપિયા ખર્ચી વિદેશ મોકલ્યો તેજ પુત્ર વિદેશમાં ગયા બાદ માતા પિતાને ભૂલી જતા પુત્ર પાછળ કરેલા ખર્ચને કારણે દેવામાં ડૂબી જનાર મા બાપે આત્મહત્યાનું અંતિમ પગલું ભરવું પડ્યું હતું.
જે પુત્રને લાખ્ખો ખર્ચી કેનેડા મોકલ્યો તેણે જ મોઢું ફેરવી લેતા સંબંધોની દુન્યવી માયાજાળ પરથી વિશ્વાસ ઉઠી જાય અને સંવેદનશીલ માણસને કંપારી છૂટી જાય તેવી સુસાઈડ નોટ લખીને માતા પિતાએ સજોડે જિંદગીનો અંત આણ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે.

સુરતમાં બનેલી આ પ્રકારની ઘટનામાં પોતાના પુત્રનું લાખ્ખોનું દેવું ભરી તેને ટેંશન મુક્ત કરનાર પુત્ર કેનેડા જતો રહ્યો અને પુત્રને વિદેશ મોકલવામાં અને તેનું કર્જ ચુકવવામાં લાખ્ખોના દેવામાં ડૂબી ગયેલા માતાપિતાને જાણે ભૂલી ગયો અને અહીં આવ્યો ત્યારે પણ પોતાના માતાપિતાને મળવા નહિ આવતા આ વેદના સહન નહિ કરી શકનાર વૃદ્ધ દંપતીએ સજોડે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મીરા એવન્યુમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના વતની 66 વર્ષીય ચુનીભાઈ ભગવાન ગેડિયા તેમનાં 64 વર્ષીય પત્ની મુક્તાબેન પોતાના સંતાનો સહિતના પરિવાર સાથે રહેતા હતા. ચુનીભાઈ હવે નિવૃત્ત થયા હતા વિચાર્યું કે હવે સુખનું જીવન જીવીશુ.

તેમનાં બે સંતાન પૈકી સંજય સાડી મોડલિંગનું કામ કરતો હતો, જ્યારે બીજો પુત્ર પીપૂષ કેનેડામાં રહેતો હતો.
પણ અચાનક એવું તે શું થયું કે અચાનક ચુનીભાઈએ પોતાના ઘરે રૂમમાં છતના પંખા સાથે દોરી બાંધી પત્ની મુક્તાબેન સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.
આ ઘટનાને પગલે સાથે રહેતા પુત્ર સહિતના તમામ ચોંકી ગયા હતા.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી અને બંને વૃદ્ધ દંપતીના આપઘાત મામલે સરથાણા પોલીસને જાણ કરાતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી જેઓને સ્થળ ઉપરથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જે આ ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદરૂપ બની હતી.
મૃતક વૃદ્ધ દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આપઘાત કરતા પહેલા મૃતક ચુનીભાઈએ 5-7 પાનાંની સુસાઈડ નોટ લખી હતી જેમાં કેનેડા રહેતા પુત્ર ના વર્તનથી લાગી આવતા આ પગલું ભર્યું હોવાની વાતને નિર્દેશ કરતી હતી.
પોલીસ તપાસ દરમિયાન આપઘાત પાછળનું મુખ્ય કારણ પુત્રનું માતા-પિતાથી અળગા રહેવું અને પુત્રવધૂની ગેરવર્તણૂક હોવાનું સામે આવ્યું હતું.

ચુનીભાઈના નાના પુત્ર પિયુષને 2 વર્ષ પહેલા ફાયનાન્સના ધંધામાં નુકશાન થતા 38 લાખ રૂપિયા જેટલું દેવું થઈ જતા તે દેવું પણ તેમનાં માતા-પિતાએ દાગીના વેચીને અને કેટલાક લોકો પાસેથી ઉછીતા પૈસા લઈ ચૂકવી ત્યાર બાદ પીયૂષને કેનેડા મોકલી તેની સારી કારકિર્દી બને તે માટે તક આપી હતી પરંતુ પીયૂષ કેનેડા ગયા બાદ પોતાના માટે લાખ્ખોનો ખર્ચ કરનાર પોતાના સગા માતા-પિતાને ભૂલી ગયો હતો એટલું જ નહીં, માતા-પિતા સાથે સંબંધજ ખતમ કરી દીધો હતો
પિયુષ કેનેડાથી કોઈ મદદ કરતો ન હતો. મદદ તો ઠીક તેમના હાલચાલ પણ પૂછતો ન હતો. ફોન પણ ક્યારેય કરતો નહતો. પિતાએ સામેથી વીડિયો કોલ કર્યા તો તેમાં પણ જવાબ આપતો નહતો. આટલું ઓછું હોય તેમ સુરત આવ્યો ત્યારે પણ બિમાર પિતાની ખબર અંતર પૂછવા પણ આવ્યો નહોતો. દીકરાની પત્ની પાયલ પણ ન બોલવાનું બોલી ગઈ હતી. આખરે હતાશ થઈ ચુનીભાઈ અને મુક્તાબેને જીંદગીનો અંત આણી આત્યંતિક પગલું ભરી લીધું હતું.
સુસાઇડ નોટમાં હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્રવધૂનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને જે લોકો પાસેથી પૈસા લીધા તેઓને પરત નહિ કરી શકવા માટેની વાત હોવાનું કહેવાય છે.
સુસાઇડ નોટમાં તેઓના આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ પણ કરી હતી. આ સાથે જ પીયૂષની પત્ની દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેને સંબોધીને એ બાબતે મનમાં લાગી આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભૂલી ગયેલા સંતાનના વિરહમાં માતા-પિતાએ પોતાના જ ઘરના પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનાએ આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

અક્ષરસઃ સ્યુસાઈડ નોટ
જય શ્રી કૃષ્ણ
ચિ. સંજય તથા તારા મમ્મી તથા પિયુષ તથા પાયલ તથા વિવાન તથા ક્રિશ તથા વૈદી તથા નિલમ તથા સર્વે સગાસબંધી અને કુટુંબીજનોને જણાવવાનું કે આજ રોજ હું આપઘાત કરું છું, કારણ કે મારી પર 40 લાખનું દેવું છે. જે હવે હું આપી શકું તેમ નથી. આજે મારી ઉમર 65 વર્ષની થઈ ગઈ છે. હું અત્યારે ક્યાં કમાવા માટે જાઉં અત્યારે મારી પાસે કોઈ ધંધો નથી, મારે બિલકુલ આવક નથી. માટે આ પગલું ભરું છું. આવો સમય મારા દીકરા પિયુષને લીધે આવ્યો છે. કારણ કે પિયુષના માથે દેવું થઈ ગયું હતું એટલે મને એમ કે દીકરા પર દેવું થઈ ગયું છે. 
એટલે એણે મારી પાસે દાગીના માગતા મેં દાગીના અને તમામ મૂડી મેં આપી દીધી હતી. તેણે મને કહ્યું વ્યાજે રૂપિયા લઈ આપો, મારે રાધિકા બિલ્ડર પાસેથી લેવાના છે, એ આવશે એટલે તમને રિટર્ન કરી દઈશ. જેથી મેં મારા દીકરા માટે 35 લાખ રૂપિયા વ્યાજે લઈને આપ્યા હતા. આજે મારી પર 40 લાખનું દેવુ છે, પણ એ મારું નથી પણ મારા દીકરાનું છે. હવે એ લોકો મારી પાસે રૂપિયા માગે છે. અત્યારે પિયુષ કેનેડા છે. જેણે 4 વર્ષમાં મને એક ફોન કરેલ નથી. મેં પિયુષને 2 વાર વીડિયો કોલ કરેલો તો તેને ફોન પણ ઉઠાવ્યો નહતો. મારી પર કોઈ લેણાવાળાની ઉઘરાણી નથી કે કોઈ મારા પર પૈસા માટેનું દબાણ કરતા નથી.

આ રૂપિયા મારા મિત્રો અને મારા સગાસંબંધીઓના જ છે. પણ હવે મને શરમ આવે છે. મને ચિંતા થાય છે મારે જરૂર હતી ત્યારે બધાયે પૈસા આપ્યા પણ હવે હું આપી શકું તેવી સ્થિતિમાં ન હોવાથી આપઘાત કરું છું. જેમના પણ રૂપિયા છે એમને કોઈ હેરાન કરશો નહીં કોઈએ પણ મારી પર પૈસાનું દબાણ કરેલ નથી. મને કોઈએ ધાક ધમકી પણ ક્યારેય આપી નથી. 
બેટા તે એવું કયારેય ન કીધું કે રાધિકા બિલ્ડર પાસેથી રૂપિયા આવી ગયા છે. તું પિયુષ ખોટું કેમ બોલ્યો તે અમને અને સંજયને રોડ પર લાવી દીધા અને તે દગો કર્યો છે. ઠીક છે ઉપરવાળાને મંજૂર થશે.. વધારે કંઈ કહેતો નથી અમારાથી કંઈ ભૂલ થાય તો માફ કરી દેજે…તને ઈચ્છા થાય કે મારો બાપ મરી ગયો છે અને દિલના ખૂણે કોઈ દયા ઉપજે તો ક્યારેક તને જન્મ આપનારી તારી જનેતાને…
તારી માના ખબર અંતર પૂછી જજે… હું બિમાર હતો ત્યારે તું કેનેડાથી સુરત આવ્યો હતો પણ તું મારી ખબર લેવા માટે ન આવ્યો… કે ન એક ફોન પણ કર્યો….મને અને તારી મમ્મીને કંઈક તો આશા હશે કે પિયુષ મળવા તો આવશે…પણ હું હવે મરી જાઉં છું.. ઠીક છે દીકરા તારી જેવી ઈચ્છા.. ખૂબ ખૂબ સુખી થાજે.. ક્રીશને ખૂબ ભણાવજે અને પાયલને પણ ખૂબ ખૂબ સાચવજે.. તું સુખી થા તેવા મારા આશીષ.. મને ક્રીશ ખૂબ વ્હાલો છે પણ છેલ્લા 4 વર્ષમાં તે મને મળવા ન દીધા…

ચિ. ક્રિશ બેટા,
તુ મને ખૂબ જ યાદ આવતો હતો પણ શું થાય.. તુ નાનો હતો ત્યારે તને ખૂબ રમાડેલ પણ હવે તો ખાલી યાદ જ રહી.. બેટા ખૂબ ભણજે.. સમાજમાં મોટો માણસ બનજે…. પણ અમને તારા મા-બાપે કાઢી મૂક્યા એમ તું તારા મા બાપને કાઢી ન મૂકતો.. મોટો તઈને તારા માવતરને સાચવજે એટલી જ મારી શીખામણ છે. 
પિયુષ અને પાયલ તમને બંનેને એમ કે મારી પાસે રૂપિયા છે પણ મારી પાસે જે રોકડા રૂપિયા અને દાગીના હતા તે બધું જ મેં તમને આપી દીધું છે. મારી પાસે પૈસા હોત તો મારે આપઘાત ના કરવો પડ્યો હતો… મેં મારા હાથ ખર્ચના પણ રૂપિયા રાખ્યા ન હતા….
ભાઈ શ્રી મનસુખ,
​​​​​​​તું મારા દીકરા સંજયનું ધ્યાન રાખજે, સંજયને કોઈનો સહારો નથી. પિયુષે તેને તરછોડી દીધો છે. સંજય પર પણ પિયુષે અત્યાચાર જ કર્યો છે. પિયુષે કહ્યું કે મારી પર દેવું છે અને ખોટું બોલીને મકાન પણ લઈ લીધું છે. પિયુષ પર લેણું છે જ નહીં રાધિકા બિલ્ડર પાસેથી જે રૂપિયા લેવાના હતા તે બધા રૂપિયા રાધીકા બિલ્ડરે પિયુષને ચૂકવી દીધા છે. હું રાધિકા વાળા ભાવેશભાઈને રૂબરૂ જઈને પૂછી આવ્યો છું… સંજયે પણ 18 લાખ રૂપિયા બહારથી વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ એ ભરે છે. 

ચિ- પાયલ….
હવે હું થાકી ગયો છું એટલે આ પગલું ભરી રહ્યો છું….
તું તો બેટા મોટા ઘરની દીકરી ખાનદાન ઘરની દીકરી.. બેટા તારા માવતર કોણ… તને અમારા પર એટલી બધી અરૂચી આવી ગઈ કે તે અમોને કહી દીધું કે તારે બંનેને જ્યાં જવું હોય ત્યાં જાવ મારા ઘરે નહીં….. અમારી એવી તો શું ભૂલ હતી કે તે અમને ઘરેથી કાઢી મૂક્યા…. ઠીક છે તે તને ગમ્યું તે ખરું… પણ ભોળાભાઈની દીકરી અમારી સાથે આવું વર્તન કરશે તેવો સપનેય ખ્યાલ નહોતો… જો મેહુલ તથા તેના વાઈફ તારા મા-બાપને એમ કહે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. તો તને કેવું થાય મારે તો દીકરી નથી અમે તો તને દીકરી જ માની હતી. આમારા નસીબમાં આવું લખેલું હશે. 
મારે કોને ફરિયાદ કરવા જવું , તે જે સમયે અમારી સાથે કર્યું ત્યારે મને એમ થયું કે તું આમની દીકરી છે. તું મારા વિષે જે બોલી તે બે ઘડીક મારા માન્યામાં આવ્યું નહોતું…. મરતી વખતે હું ખોટું બોલીશ નહી, બસ ખૂબ ખૂબ સુખી થાવ.. તે જે જીવનમાં બૂલો કરી છે તે માટે તને દિલથી માફ કરું છું…. હું એક માણસ હતો બીજાની જેવો રાક્ષસ નહોતો.. ક્યારેક શાંતિથી વિચારજે જો તને તારી ભૂલ સમજાય તો સુખી થજો… હું માવતર છું મારાથી કમાવતર ના થવાય ક્રીશને સાચવજે અને વધારે લખાઈ ગયું હોય તો માફ કરજે…

આમ, આ ઉપર મુજબની સુસાઇડ નોટ પોલીસે કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે, આ કરુંણ ઘટનાએ સભ્ય સમાજમાં ભારે સનસનાટી મચાવી છે.