કેનેડા બોર્ડર ક્રોસ કરાવીને ભારતીયોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાના ‘જાકુબી’ના ધંધા કરવાનો જેના ઉપર આરોપ છે તે ડર્ટી હેરીના નામથી જાણીતો હર્ષ રમણ પટેલ નામનો ગુજરાતી શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે ઝડપી લીધો છે જેની ધરપકડ બાદ ખૂબજ ચોંકાવનારી હકીકતો સામે આવી છે,જેમાં તા.19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડા બોર્ડર પર મોતને ભેટેલા ડિંગુચાના જગદીશ પટેલના પરિવારને પણ અમેરિકામાં ઘુસાડવાનું કામ હર્ષ પટેલે લીધું હોવાની હકીકત સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે.
તેણે ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022 સુધીના સમયગાળામાં ભારતથી આવેલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને કેનેડા બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા પહોંચાડવા માટે કુલ પાંચ ટ્રીપ કરી હોવાની વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
હર્ષ પટેલ સામે છેલ્લા પાંચ મહિનાથી ધરપકડ વોરંટ નીકળ્યું હતું જે ફરાર હતો પણ આખરે હર્ષ પટેલ શિકાગોના ઓ’હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે દબોચી લીધો છે જેને કોર્ટમાં રજૂ કરાયો હતો જેની ડિટેન્શન હિયરિંગ 28 ફેબ્રુઆરીના રોજ થશે.
જે રીતે વિગતો સામે આવી છે તેમાં હર્ષ પટેલ ફ્લોરિડામાં કેસિનો ચલાવે છે અને તેણે સ્ટીવ શાન્ડ નામના એક વ્યક્તિને જગદીશ પટેલ જે ગ્રુપમાં બોર્ડર ક્રોસ કરવાના હતા તે ગ્રુપના લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું.
દરમિયાન, સ્ટીવે 18 જાન્યુઆરી 2022ના દિવસે હર્ષ પટેલને મોબાઈલ પર મેસેજ કરી બોર્ડર ક્રોસ કરનારા તમામ લોકોને ઠંડીથી બચવા પૂરતા ગરમ કપડાં પહેરવા જણાવ્યું હતું.
હર્ષ પટેલે સ્ટીવને અમેરિકા-કેનેડા બોર્ડર પર કઈ જગ્યાએથી તમામ લોકોને પીક કરવાના છે તેનું જીપીએસ લોકેશન પણ મોકલ્યું હતું, અને સાથે જ કેનેડાના બે ફોન નંબર પણ શેર કર્યા હોવાની વાતનો ખુલાસો થયો છે.
સ્ટીવ શાન્ડ હર્ષ પટેલ માટે કામ કરતો હતો અને તે 9 માર્ચ 2022ના દિવસે હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓ સામે એવી કબૂલાત કરી ચુક્યો છે કે ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022ના ગાળામાં ઈન્ડિયાથી આવેલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને કેનેડા બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા પહોંચાડવા માટે કુલ પાંચ ટ્રીપ કરી હતી, અને આ કામ માટે હર્ષ પટેલે તેને 25 હજાર ડોલર ચૂકવ્યા હતા.
19 જાન્યુઆરીના કામ માટે પણ હર્ષ પટેલે સ્ટીવ શાન્ડને પહેલા 2900 ડોલર ચૂકવ્યા હતા અને તેના રિલીઝ થયા બાદ બીજા 5,000 ડોલર ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટમાં જણાવાયા મુજબ હર્ષ પટેલ સહિત આ કેસમાં ગુજરાત પોલીસે આરોપી બનાવેલા ફેનિલ પટેલ નામના બીજા એક એજન્ટની સંડોવણીના પણ આક્ષેપ લાગ્યા છે.
જોકે,ફેનિલ પટેલ ગુજરાત પોલીસ માટે હાલ વોન્ટેડ છે,જે હાલમાં ટોરેન્ટો ખાતે રહેતો હોવાના અહેવાલ છે.
આ બધા વચ્ચે આ કેસમાં અમેરિકાની કોર્ટ રાજિન્દરપાલ સિંહ નામના અન્ય એક એજન્ટને ગુનેગાર ઠેરવતા તે 45 મહિનાની જેલની સજા હેઠળ છે.
જેલમાં બંધ રાજિન્દરે હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓએ કરેલી પૂછપરછ દરમિયાન ફેનિલ પટેલને ઓળખી બતાવ્યો હતો અને સાથે જ એવું કબૂલ્યું હતું કે તે ડિંગુચાના પરિવારને બોર્ડર ક્રોસ કરાવવાના કામમાં સામેલ હોવાનું કબૂલ કરી ફેનિલ હાલ ટોરેન્ટોમાં હોવાની માહિતી પણ રાજિન્દરે જ હોમલેન્ડ સિક્યોરિટીને આપી હતી.
સ્ટીવ શાન્ડ 19 જાન્યુઆરી 2022ના દિવસે જ બે માઈગ્રન્ટ્સ સાથે 15 સીટર વાનમાં પોલીસના હાથે ઝડપાયો હતો અને ત્યારે કેનેડાની સાઈડથી આવેલા બીજા પાંચ માઈગ્રન્ટ્સને પણ પોલીસે ડિટેઈન કર્યા હતા, સ્ટીવ સામેની ટ્રાયલ મિનેસોટાની ફેડરલ કોર્ટ શરૂ થશે.
અમેરિકન પોલીસના હાથે ઝડપાઇ ગયેલો હર્ષ પટેલ આ પહેલા કેનેડામાં પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે.
હર્ષ પટેલની 2018માં કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને રિલીઝ કરાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો.
કોર્ટ ડોક્યુમેન્ટ્સ અનુસાર હર્ષકુમાર પટેલે ઈન્ડિયાથી અમેરિકાના સ્ટૂડન્ટ વિઝા મેળવવા ચાર વાર પ્રયાસ કર્યો હતો, પરંતુ ચારેય વાર તેની વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. 2016માં પણ હર્ષ પટેલે કેનેડા પહોંચીને ઓટાવા સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા મેળવવા માટે એપ્લિકેશન કરી હતી, જેમાં તેણે એવો દાવો કર્યો હતો કે તે કિંગ્સ્ટનની સેન્ટ લોરેન્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે.
જોકે, તે વખતે પણ તેને અમેરિકાના વિઝા નહોતા મળ્યા.
અમેરિકાની પોલીસનું માનવું છે કે પાંચમીવાર વિઝા એપ્લિકેશન રિજેક્ટ થયા બાદ હર્ષ પટેલ ત્રણ જ મહિનામાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચી ગયો હતો, અને 2018માં તે અમેરિકાથી ફરી બોર્ડર ક્રોસ કરી કેનેડા આવ્યો હતો અને ત્યારે તેની કેનેડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આમ,કેનેડામાંથી અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે ઘુસાડવામાં સામેલ ગણાતા હર્ષ પટેલ નામના ગુજરાતીની ધરપકડ બાદ અનેક લોકોના નામોનું લિસ્ટ ખુલવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.