અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર કર્યા પ્રહાર, મેં મારા જીવનનાં 3 વર્ષ બગાડ્યા, પોલીસ સાથે સેટિંગ કરીને ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરે છે કોંગ્રેસ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને હવે પાર્ટીની આંતરિક વાતોને પણ લઇને પણ હાર્દિક આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને હાર્દિકે કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે અને હિન્દુ વિરોધી વિચાર ધરાવે છે. મેં મારા જીવનના ત્રણ વર્ષ કોંગ્રેસને આપ્યા જે હવે વ્યર્થ ગયા છે. કારણ કે કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ પણ મને કોઇ કામ કોંગ્રેસ આપ્યું નથી. આથી ગુજરાતમાં કોંગ્રેસ વર્ષ 2050 સુધી શાસનમાં આવી શકશે નહીં.
ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસની ટીકા કરી
કોંગ્રેસના રાજીનામા બાદ હાર્દિક પટેલને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં હાર્દિક પટેલે કલમ 370, રામ મંદિર અને CAA-NRCનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે તેના ભાજપમાં જોડાવાની શક્યતા વધી ગઈ છે. જો કે, હાલ પૂરતું તેમણે ભાજપમાં જોડાવાની વાતને નકારી કાઢી છે. ગુજરાતના અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારો હોય કે અન્ય કોઈ સમાજના લોકો, તેમને કોંગ્રેસમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોંગ્રેસમાં રહીને મોટા નેતાઓ તમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે અને આ તેમની વ્યૂહરચના છે.
સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો
જણાવી દઈએ કે આ પહેલા હાર્દિક પટેલે ટ્વિટર પર રાજીનામાની જાહેરાત કરી હતી. આ સાથે તેણે સોનિયા ગાંધીને લખેલો પોતાનો પત્ર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ પત્રમાં હાર્દિકે કોંગ્રેસ પર માત્ર વિરોધની રાજનીતિ સુધી સીમિત હોવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, તેણે આમાં રાહુલ ગાંધી પર પણ જોરદાર નિશાન સાધ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિકની વિદાયને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે.