બેંકો સાથે છેતરપિંડી કરી કરોડોની લોન મેળવનાર આરોપીને 9 મહિના હોમ ડિટેન્શન; સિરિયસ ફ્રોડ ઓફિસ (SFO) ની મોટી કાર્યવાહી

Auckland: ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા મોર્ટગેજ ફ્રોડના એક મોટા કેસમાં ગુરરાજ સિંહ ભટ્ટુ (Gurraj Singh Bhachu) ને નવ મહિનાના ‘હોમ ડિટેન્શન’ (ઘરમાં કેદ) ની સજા ફટકારવામાં આવી છે. ગુરરાજ સિંહે ખોટા દસ્તાવેજોના આધારે બેંકો પાસેથી 20 લાખ ડોલરથી વધુની રકમ મેળવી હોવાનું કબૂલ્યું હતું.

શું છે સમગ્ર કૌભાંડ? ગુરરાજ સિંહે ચાર પ્રોપર્ટીઝને લગતા 12 ગુનાહિત આરોપો સ્વીકાર્યા છે. સિરિયસ ફ્રોડ ઓફિસ (SFO) ના જણાવ્યા અનુસાર:

  • તેણે બિઝનેસ આવક અને કેશ ગિફ્ટના ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
  • બેંકો અને પ્રોપર્ટી વકીલોને ખોટી માહિતી આપીને ત્રણ રહેણાંક મકાનો માટે કુલ $2,862,650 (અંદાજે 24 કરોડ રૂપિયા) ની લોન મેળવી હતી.
  • પોતે અથવા અન્ય વ્યક્તિઓ માટે મિલકતો પર નિયંત્રણ મેળવવા માટે પણ તેણે ખોટી રજૂઆતો કરી હતી.

ભાગેડુ જાહેર થયા બાદ ધરપકડ ગુરરાજ સિંહ 2019માં ન્યૂઝીલેન્ડ છોડીને ભાગી ગયો હતો. જોકે, ડિસેમ્બર 2023 માં તે જેવો ન્યૂઝીલેન્ડ પરત ફર્યો કે તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

સિસ્ટમ પર અસર SFO ના ડાયરેક્ટર કરેન ચાંગે જણાવ્યું હતું કે, બેંકોને ખોટી માહિતી આપવી એ લોન આપવાની સિસ્ટમની પ્રામાણિકતાને નુકસાન પહોંચાડે છે. આ પ્રકારની છેતરપિંડીથી બેંકો જોખમમાં મુકાય છે, જેની સીધી અસર એવા મહેનતુ ન્યૂઝીલેન્ડર્સ પર પડે છે જેઓ પોતાના ઘર માટે પ્રામાણિક રીતે લોન લેવા માંગતા હોય છે.

અન્ય આરોપીઓ અને ટ્રાયલ આ કેસમાં ગુરરાજ એકલો નથી. SFO એ કુલ 6 લોકો સામે ચાર્જ ફાઈલ કર્યા છે, જેમણે મળીને કુલ $8.6 મિલિયન (અંદાજે 72 કરોડ રૂપિયા) ની લોન ખોટી રીતે મેળવી હોવાનો આરોપ છે.

  • આ પહેલા ફ્રાન્સિસ પીટર્સને 9 મહિનાની સજા થઈ ચૂકી છે.
  • ક્રિસ્ટોફર અને રોબર્ટ પીટર્સ જેવા અન્ય આરોપીઓ સામે ફેબ્રુઆરી ૨૦૨૬ માં ટ્રાયલ શરૂ થવાની શક્યતા છે.