દક્ષિણ અમેરિકાના ઇકવાડોર દેશમાં હાલ સ્થિતિ વણસી ગઇ છે અને આંતરિક સશસ્ત્ર સંઘર્ષ ફાટી નીકળ્યો છે આ બધા વચ્ચે મીડિયાને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.
માસ્ક પહેરેલા ઈસમો એક ટેલિવિઝન ચેનલના કાર્યાલયમાં પ્રવેશ્યા હતા અને સ્ટુડિયોમાં ચાલતા જીવંત પ્રસારણ દરમિયાન જ બંદૂકો અને વિસ્ફોટક બતાવીને કર્મચારીઓને બાનમાં લઇ લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા ભારે સનસનાટી મચી છે.
આ ઘટના બાદ રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ તરત જ હુમલાખોરો સામે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે દેશ ‘આંતરિક સશસ્ત્ર સંઘર્ષ’માં પ્રવેશી ગયો છે.
બંદૂકોથી સજ્જ ઈસમો બંદરીય શહેર ગ્વાયાકિલમાં ટીસી ટેલિવિઝનના સ્ટુડિયોમાં ઘૂસી ગયા અને બૂમો પાડવા લાગ્યા કે તેમની પાસે બોમ્બ છે. પાછળથી ગોળીઓ જેવો અવાજ સંભળાયો.
ગોળીબારના અવાજ પર એક મહિલાને એવું કહેતી સાંભળવામાં આવી હતી, શૂટ કરશો નહીં, પ્લીઝ.
ઘૂસણખોરોએ કર્મચારીઓને જમીન પર સૂવા માટે દબાણ કર્યું અને સ્ટુડિયોની લાઇટ બંધ થયા પછી તેઓ પીડાથી ચીસો પાડતા સાંભળી શકાતા હતા.જોકે, જીવંત પ્રસારણ ચાલુ રહ્યું હતું.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સ્ટેશનના કોઈ કર્મચારીને ઈજા થઈ છે કે નહીં. દરમિયાન, ટીસી કર્મચારીએ વોટ્સએપ મેસેજમાં જણાવ્યું હતું કે માસ્ક પહેરેલા લોકો ઘુસ્યા છે.તેઓ અમને મારવા આવ્યા છે.
કૃપા કરીને ભગવાન આવું ન થવા દે.
રાજકીય અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહેલા દક્ષિણ અમેરિકન દેશ ઈક્વાડોરમાં સ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. કટોકટીની સ્થિતિ વચ્ચે અહીં સશસ્ત્ર આતંકવાદીઓ બેકાબુ બન્યા છે.
ઇક્વાડોરના બંદર શહેર ગ્વાયાકીલમાં એક લાઈવ શો દરમિયાન બંદૂકધારીઓ ટીવી સ્ટુડિયોમાં ઘૂસી ગયા અને એન્કર સહિત તમામ કર્મચારીઓને બંધક બનાવી દીધા હતા.મળતી માહિતી મુજબ, આ એક હાઈ-પ્રોફાઈલ ગેંગનું કામ છે, જેનો લીડર એડોલ્ફો ફીટો હાલમાં જ જેલમાંથી ભાગી ગયો અને બાદમાં હિંસા શરૂ થઈ હતી.