મંગળવારે રાત્રે 11 કલાકે કોઈ બાબતે ઝઘડો થતા હત્યા થઇ હોવાનું અનુમાન, યુવકનું ઘટનાસ્થળે જ મોત

મરનાર યુવક બીલીમોરાનો હોવાનું અનુમાન
થોડા દિવસ પહેલા જ કેનેડાના ઓટાવા ખાતે ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી હતી. હવે તેવી જ ઘટના ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટના મેલબોર્ન ખાતે બની છે. જેમાં રૂમમેટ દ્વારા કોઈ બાબતે ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. મંગળવારે રાત્રે 11 કલાકે મેલબોર્ન ના બરવુડ વિસ્તારમાં વિનટન સ્ટ્રીટ ખાતે હત્યાનો બનાવ બન્યો હતો. પોલીસે 42 વર્ષીય વ્યક્તિને ઘટનાસ્થળે થી ઝડપી પાડ્યો હતો અને તેની સામે હત્યાનો ગૂનો નોંધ્યો છે. હત્યારો પણ ગુજરાતનો જ વતની હોવાનું પોલીસ માની રહી છે અને બંને યુવકો એકબીજાને ઘણાં સમયથી જાણતા હતા.
પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવકની ચાકુના અનેક ઘા વાગ્યા હોવાનું સામે આવ્યું હતું અને ઘટના સ્થળે જ તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેને બચાવવામાં મેડિકલ ટીમને નિષ્ફળતા મળી હતી. સમગ્ર ઘટનાને પગલે ગુજરાતી કોમ્યુનિટીમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે. પોલીસ દ્વારા મરનાર યુવક અંગે હજુ સુધી કોઈ જાણકારી કે ઓળખ છતી કરવામાં આવી નથી. પરંતુ ગુજરાતી સમાજના આગેવાન દ્વારા જાણવા મળ્યું છે કે મરનાર યુવક ગુજરાતના બીલીમોરાનો વતની હતો અને તેના રૂમ મેટ પણ ગુજરાતી જ હતા.
અધિકારીઓએ હજુ સુધી ઘટના પાછળના હેતુની પુષ્ટિ કરી નથી, પરંતુ તપાસ ચાલુ છે. વિક્ટોરિયા પોલીસે તપાસમાં મદદ કરી શકે તેવી માહિતી ધરાવતા કોઈપણ વ્યક્તિને 1800 333 000 પર ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરવા અથવા www.crimestoppersvic.com.au પર ઓનલાઈન ગુપ્ત રિપોર્ટ સબમિટ કરવા વિનંતી કરી છે.