કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયાના અહેવાલ છે.

અહીંના ટોરેન્ટોમાં રહેતા મૂળ નવસારી જિલ્લાના એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. કેનેડાની સ્થાનિક સમાચાર સંસ્થા CTV ન્યૂઝના અહેવાલમાં જણાવાયું હતું કે ઘરના ગેરેજમાં પાર્ક કરેલી કારમાં હીટર ચાલુ રહી જવાના કારણે કાર્બન મોનોક્સાઈડ ગેસ પેદા થતા ઘરમાં રહેલા સાત લોકોને ગેસની અસર થતાં સર્જાયેલી દુર્ઘટનામાં ગુજરાતી વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 6 લોકોને સારવાર હેઠળ છે.
કેનેડાના ટોરેન્ટો ખાતેના ટાઉનહાઉસમાં ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી.

દરમિયાન વિદ્યાર્થીના મોતના સમાચાર નવસારીમાં રહેતા તેમના પરિવારજનોને મળતા તેઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
મૃતક વિદ્યાર્થી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના હોવાનું સામે આવ્યું છે.
કેનેડા ખાતે ઘરનાં ગેરેજમાં મુકેલી કારમાં હિટર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતા આ દુર્ઘટના ઘટી હતી.
ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. ઘટનામાં કુલ છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં નવસારીના એક વિદ્યાર્થીનું મોત થતા ગમગીની પ્રસરી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેનેડામાં એપ્રિલથી જૂન મહિનાના સમયગાળા દરમિયાન પણ ત્રણ ગુજરાતી વિદ્યાર્થીના મૃત્યુ થયા હતા અને રહસ્યમય સંજોગોમાં ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા હતા ત્યારે જેતે વખતે વાલીઓ ચિંતિત બન્યા હતા.
ત્યારે ફરી એક વધુ વિદ્યાર્થીનું મોત થતાં કેનેડામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે.