શાસક પક્ષ લિબરલે પાર્ટીએ કોરિયો માટે ગુજરાતી ઉમેદવારની કરી વરણી

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામના વતની છે મનીષ પટેલ

કેતન જોશી નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વિદેશની ધરતી પર પોતાના નામની સાથે દેશનું નામ વધારવું કોઇ આસાન કામ નથી. બીજા દેશમાં રહીને ત્યાંની મુખ્ય ચૂંટણીમાં શાસક પક્ષ તરફથી જંપલાવવું કઠિન કાર્ય છે પરંતુ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુજરાતના એક યુવાને પોતાની લિબરલ પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો છે. આગામી મે મહિનામાં યોજાનારી ચૂંટણીમાં ગુજરાતના શિનોર તાલુકાના કુકશ ગામનો યુવાન અને હાલ ઓસ્ટ્રેલિયન નાગરિક મનીષ પટેલ વિક્ટોરિયા રાજ્યની કોરિયો બેઠક પરથી લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

2007માં સ્ટૂડન્ટ વિઝા પર આવ્યા હતા ઓસ્ટ્રેલિયા
મનીષ પટેલે ઓસ્ટ્રેલિયામાં 10 વર્ષ સુધી સોશિયલ વેલફેર સેક્ટરમાં કાર્ય કર્યું છે અને આ અંગે તેમણે જણાવ્યું હતું કે અદ્ભુત લોકો સાથે કામ કરવું અને આપણા સમુદાયના રોજિંદા પડકારો વિશે શીખવું એ મારો વિશેષાધિકાર હતો. મને અમારા ઓસ્ટ્રેલિયન સમાજના નબળા લોકો માટે સમર્થન અને હિમાયત કરવાનું ખરેખર ગમ્યું છે. જીવનના તમામ ક્ષેત્રના લોકો સાથે કામ કરવું ખૂબ સરસ હતું. હું અમારા સમુદાયની સેવા કરવા અને ઑસ્ટ્રેલિયાને રહેવા અને ગર્વ કરવા માટે વધુ સારું સ્થાન બનાવવા માટે ફેરફારો કરવા માટે જુસ્સાપૂર્વક પ્રતિબદ્ધ છું. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે કોઈપણ વ્યક્તિ તેમનો સૌથી વધુ ચિંતિત હોય તેવા મુદ્દાઓ લઇને આવી શકે છે જેથી ઓસ્ટ્રેલિયાને વધુ સમૃદ્ધ બનાવી શકાય.

મનીષ પટેલ માટે ફેડરલ ઇલેક્શનનો જંગ નથી આસાન
ગિલોંગની કોરિયો બેઠકનનો જંગ મનીષ પટેલ માટે આસાન નથી. કારણ કે આ બેઠકને લેબર પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. કોરિયો બેઠક પરથી લેબર પાર્ટીના ડેપ્યુટી લિડર ઓફ ઓપોજીશન રિચર્ડ માર્લ્સ વર્ષ 2007, 2010, 2013, 2016 અને 2019માં જીતતા આવ્યા છે. આથી આગામી ઇલેક્શન મનીષ પટેલ માટે કાંટે કી ટક્કર સમાન બની રહેશે.

લેબર પાર્ટી લીડર અને કોરિયો બેઠકના વર્તમાન સાંસદ રિચર્ડ માર્લ્સ.

મનીષ પટેલની પસંદગીથી ગામમાં ખુશી
શિનોર તાલુકાના કુકસ ગામમાં મનીષ પટેલની લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી થતા ખુશીનો માહોલ છે. મનીષ પટેલ 2007માં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ત્યાં ગયા બાદ પોતાનું અલગ વ્યક્તિત્વ સાબિત કર્યું. તેમના પિતા જશભાઇ પટેલે જણાવ્યું હતું કે પુત્રની સિદ્ધિથી આનંદની લાગણી તો છે જ પરંતુ તેનો સ્વભાવ પહેલેથી જ સેવાકીય રહ્યો છે.

કમ્પ્યુટરથી લઇને મોર્ટગેજનો કર્યો છે અભ્યાસ
મનીષ પટેલે બેચલર ઓફ સાયન્સ (કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ), એડવાન્સ્ડ ડિપ્લોમા ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ડિપ્લોમા ઓફ કોમ્યુનિટી વેલ્ફેર, ડિપ્લોમા ઓફ ફાયનાન્સ અને મોર્ટગેજ બ્રોકિંગનો અભ્યાસ કર્યો છે. તેમજ વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની અને નાનો વ્યવસાય ચલાવવાનું અનન્ય અનુભવ પણ હાંસલ કર્યો છે.