6 ટર્મથી જીતી રહેલા અને 14 વર્ષથી ડેપ્યુટી મેયર રહેલા જેફ મુનને હરાવ્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
વિદેશને પોતાનું કરી નાખે એ ગુજરાતી. આ વાક્યને સાર્થક કરવાનું કાર્ય રાજકોટના વતની અને હાલ પર્થમાં વસેલા કેયૂર કામદારે કર્યું છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં કેયૂરભાઈ કામદારે ઑસ્ટ્રેલિયામાં અત્યંત મહત્ત્વની ગણાતાં કાઉન્સિલ ઈલેક્શનમાં શાનદાર જીત હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. આ જીત એટલા માટે ખાસ છે કારણ કે કેયૂર કામદારે પર્થના સિટી ઑફ આર્માડેલના રેનફોર્ડ વોર્ડની ચૂંટણીમાં 6 ટર્મથી ચૂંટાઈ રહેલા અને 14 વર્ષથી ડેપ્યુટી ચેર મતલબ કે ડેપ્યુટી મેયર તરીકે કાર્યરત ઉમેદવારને હરાવીને ચૂંટણીમાં જીત મેળવી છે. છેલ્લા 14 વર્ષથી કેયૂર કામદાર ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા છે અને હવે પહેલા ગુજરાતી બન્યા છે જેમણે કાઉન્સિલ ઇલેક્શનમાં જીત મેળવી છે.
રેનફોર્ડમાં ભારતીય સમૂદાયની વસતી વધુ
રેનફોર્ડ વોર્ડમાં ગુજરાતી, પંજાબી અને દક્ષિણ ભારતીય રાજ્યમાંથી આવતાં લોકોની વસતી 20થી 25% જેટલી છે અને તેમનો આ ચૂંટણીમાં ભરપૂર સાથ પણ મળ્યો છે. રેનફોર્ડ વોર્ડની ચૂંટણીમાં તેમને 1339 મત મળ્યા હતા તો તેમના હરિફ ઉમેદવારને 875 મત પ્રાપ્ત થયા હતા. આ પહેલાં 2017માં પણ તેમણે ચૂંટણી લડી હતી પરંતુ તેમાં જીત હાંસલ થઈ નહોતી. જો કે આ વખતે તેમણે ડોર ટુ ડોર નોકિંગ, એક બુથ ટેન બુથની ફોર્મ્યુલા પર વિશેષ ધ્યાન આપ્યું હતું અને સાથે જ સોશ્યલ મીડિયા થકી પ્રચાર કરીને ચૂંટણીમાં જીતનો રસ્તો આસાન કર્યો હતો.