હોસ્પિટલે ચુકવ્યા માત્ર 1.41 કરોડ, મામલો પહોંચ્યો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પાસે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
- સ્ટર્લિંગનો દાવો, ડૉ. સોનિયાના આરોપો ખોટો, આખી ટીમ દર્દીની સારવાર કરે છે, એક ડૉક્ટર નહીં
- વડોદરાની હૉસ્પિટલમાં પલ્મોનોલોજિસ્ટે 2,865 દર્દીની સારવાર કરી, દર્દીદીઠ રોજના 7000 નક્કી થયા હતા
- આફતમાં કમાણીનો અવસર – એક જ ડૉક્ટરનું માત્ર કન્સલ્ટન્સી બિલ 20 કરોડ તો દર્દીઓ પાસેથી હૉસ્પિટલની આવક કેટલી?
તાજેતરમાં જ પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોનાકાળમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી બેફામ રીતે રૂા.1880 કરોડ વસૂલ્યાનું નિવેદન આપ્યું હતું. ત્યારે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપનાર પલ્મોનોલોજિસ્ટે 20 કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે હોસ્પિટલે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ અધ્ધર કરી દેતાં ડૉક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.
વડોદરાના પલ્મોનોલોજિસ્ટ ડો.સોનિયા દલાલે પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે 2018માં તેમની સાથે સ્ટર્લિંગ હોસ્પિટલે એમઓયુ કર્યું હતું અને એ પ્રમાણે હોસ્પિટલે ઇન્ડોર પેશન્ટનો જે ચાર્જ થાય એ તમામ તેમને આપવાનો હતો. પેશન્ટની સર્જરી થાય તો બિલના 80 ટકા તેમને આપવાના હતા અને આઉટડોર પેશન્ટ ચકાસવામાં આવે તો 80 ટકા રકમ તેમને આપવાની હતી. આ રકમ દર ત્રણ મહિને ચૂકવવામાં આવતી હતી.
ત્યાર બાદ કોરોના મહામારી શરૂ થતાં કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં આઇસીયુ, વેન્ટિલેટર તેમજ વોર્ડમાં દાખલ થતાં દર્દીઓ માટેની ફી નક્કી કરવામાં આવી હતી, જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવે તો તેની વિઝિટ ફી અલગ ગણાશે એમ સ્પષ્ટ જણાવાયું હતું. દરમિયાન દર્દીઓની સંખ્યા વધતાં 5 ડોક્ટરની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં 4 ડોક્ટર સ્ટર્લિંગ હોસ્પિટલમાં પગારથી નોકરી કરતા હતા, ટીમમાં તેઓ એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતાં. આમ, ગાઇડલાઇન મુજબ નોકરી કરતા ડોક્ટરના નામે પેશન્ટ પાસેથી ચાર્જ વસૂલી શકાય નહીં એટલે અમારા નામથી ચાર્જ વસૂલવામાં આવતો હતો.
આમ, કોરોનાકાળમાં તેઓ સુપર સ્પેશિયાલિસ્ટ હોવાના કારણે તેમના નામે કરોડોની રકમ દર્દી પાસેથી વસૂલ કરાયા બાદ તેમને રકમ ચૂકવવામાં આવી ન હતી. તેમણે વારંવાર હોસ્પિટલ સમક્ષ રકમ ચૂકવવા માટે જણાવ્યું હતું, પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળતાં આખરે એડવોકેટ કૌશિક ભટ્ટ મારફતે હોસ્પિટલને નોટિસ મોકલવામાં આવી હતી. જોકે ત્યારબાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં આખરે ક્રાઇમ બ્રાન્ચમાં તબીબે અરજી આપી હતી. તબીબના જણાવ્યા મુજબ કોરોનાકાળમાં તેમણે 2865 દર્દીની સારવાર કરી હતી. દર્દીઓ પાસેથી હોસ્પિટલે એક દિવસના સરેરાશ રૂા.7000થી વધુની રકમ વસૂલ કરી હતી અને એક દર્દીની સરેરાશ 7 દિવસ સારવાર કરવામાં આવી હતી અને તે પેટે તેમને રૂા.20 કરોડથી વધુની રકમ લેવાની થાય છે. જોકે હોસ્પિટલે તેમને માત્ર રૂા.1,41,68,427 ચૂકવ્યા હતા અને બાકીની રકમ તેમને ચૂકવવામાં આવી ન હતી.
ડૉ.સોનિયાએ આસિસ્ટન્ટ ડૉક્ટર નિમ્યો તો એના નામે પણ ફી વસૂલાઈ
પોલીસને આપેલી અરજીમાં ડો.સોનિયા દલાલે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં પેશન્ટ વધતાં તેમણે મેનેજમેન્ટને વિનંતી કરી હતી કે, તેમના આસિસ્ટન્ટ તરીકે ડો. અભિનવ કામ કરશે. મેનેજમેન્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ડો.અભિનવને કોઇ રકમ ચૂકવશે નહીં અને તમારે રકમ ચૂકવવી પડશે. અમે આ અંગે તૈયાર થયાં હતાં, પરંતુ પાછળથી ખબર પડી હતી કે, ડો. અભિનવને હોસ્પિટલે વિઝિટિંગ ડોક્ટર તરીકે રાખ્યા ન હોવા છતાં તેમના નામે પેશન્ટ પાસેથી નાણાં વસૂલ કર્યાં હતાં.
20 કરોડના કન્સલ્ટન્સી બિલનું ગણિત
- પલ્મોનોલોજિસ્ટે જુલાઇ-2020થી એપ્રિલ-2021 દરમિયાન 2865 દર્દી તપાસ્યા.
- એક દર્દી સરેરાશ 7થી 8 દિવસ દાખલ રહ્યો.
- એક દર્દી પાસેથી રોજના સરેરાશ રૂા.7000 થી વધુ પલ્મોનોલોજિસ્ટની કન્સલ્ટન્સી પેટે વસૂલવામાં આવી.
- એક વખતની કન્સલ્ટન્સી પેટે રૂા. 3500 ફી નક્કી કરાઇ હતી
- ઘણા દર્દી તો 15 દિવસથી લઇને મહિનો પણ દાખલ રહ્યા હતા)
નિયમ મુજબ કોરોનાની સારવાર માટે પેકેજનો દર
- જનરલ વોર્ડ : રૂા.4000
- સેમિ સ્પેશિયલ : રૂા.7000
- સ્પેશિયલ રૂમ : રૂા.8,000
- ડિલક્સ રૂમ : 9,000
- આઇસીયુ : રૂા.11,000
‘અમારી સામેના આક્ષેપો ખોટા છે’
સ્ટર્લિંગ હોસ્પિટલના CEO ડો.અનિલ નામિબિયારે જણાવ્યું કે, ‘આક્ષેપો ખોટા છે. દર્દીની ટ્રીટમેન્ટ એક ડોક્ટર કરી શકે નહીં, તબીબોની ટીમનો સહિયારો પ્રયાસ છે.
‘અરજીની અમે તપાસ કરી રહ્યા છે’
ડો. સોનિયા દલાલે કરેલી અરજીની તપાસ કરી રહ્યા છીએ. હાલ સ્ટર્લિંગ હોસ્પિટલના સંચાલકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે. – ડી.એસ. ચૌહાણ, ACP, ક્રાઇમ બ્રાંચ