ગુજરાત ટાઇટન્સ 233/3, મુંબઇ ઇન્ડિયન્સ 171 રન, ગિલ 129, મોહિત શર્મા 10 રનમાં પાંચ વિકેટ સુર્યકુમાર યાદવ 61, તિલક 43 રન
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સનો બીજી પ્લેઓફ મેચમાં દબદબો જોવા મળ્યો. એકતરફી ફાઇનલ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે પોતાના ઘરઆંગણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઇ ઇન્ડિયન્સને 62 રને હાર આપી છે. 234 રનના ટાર્ગેટ સામે મુંબઇ ઇન્ડિયન્સ 18.2 ઓવરમાં 171 રને ઓલઆઉટ થઇ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ 10 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઇટન્સે સતત બીજા વર્ષે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યાં તેનો મુકાબલો ચેન્નઇ સુપર કિંગ્સ સામે 26 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે.
234 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત નિરાશાજનક રહી હતી અને પહેલી જ ઓવરમાં ઇમ્પેક્ટ પ્લેયર નેહલ વઢેર મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. તો રોહિત શર્મા પણ કોઇ કમાલ કરે તે પહેલા જ પેવેલિયન પરત ફર્યો હતો. જોકે ત્યારબાદ તિલક વર્મા અને સુર્યકુમાર યાદવે મુંબઇની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 51 રન બનાવ્યા હતા. જોકે તિલક વર્માના આઉટ થયા બાદ ગ્રીન અને સૂર્યાએ 52 રનની ભાગીદારી નોંધાવી મુંબઇને સંગીન સ્થિતિમાં મૂકી દીધું હતું જોકે ત્યારબાદ મેચનું પાસું પલટાયું અને મોહિત શર્માની ઘાતક બોલિંગ સામે તમામ બેટ્સમેન ઘૂંટણીએ પડ્યા હતા.
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 234 રન બનાવ્યા હતા. પ્લેઓફનો આ સૌથી મોટો સ્કોર છે. ગિલે 49 બોલમાં સદી પૂરી કરી હતી. તે પ્લેઓફમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. ગિલ સિવાય સાઈ સુદર્શને 31 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી. છેલ્લી મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી પીયૂષ ચાવલા અને આકાશ માધવાલને એક-એક વિકેટ મળી હતી.
સુદર્શન રિટાયર્ડ આઉટ, લીગનો ત્રીજો બેટ્સમેન
સાઈ સુદર્શન 31 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. તે પોતાની ઇનિંગમાં માત્ર 5 ચોગ્ગા અને 1 છગ્ગા જ ફટકારી શક્યો હતો. સાઈ નિવૃત્ત થનાર સિઝનનો ત્રીજો ખેલાડી બન્યો. અગાઉ અથર્વ તાયડે અને રવિચંદ્રન અશ્વિન નિવૃત્ત થયા હતા.
ગિલે 49 બોલમાં સદી ફટકારી હતી
ગુજરાતના ઓપનર શુભમન ગિલે કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં સદી પૂરી કરી હતી. ગિલે વર્તમાન સિઝનની ત્રીજી સદી ફટકારી છે. એટલું જ નહીં, આ ગિલની કારકિર્દીની ત્રીજી આઈપીએલ સદી પણ છે. ગિલે 60 બોલમાં 215.00ની સ્ટ્રાઈક રેટથી 129 રન બનાવ્યા. તેણે 7 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ કર્યો હતો.
ગિલ પ્લેઓફમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન
ક્વોલિફાયર 2 મેચ પહેલા શુભમન ગિલે 15 ઇનિંગ્સમાં 55.54ની એવરેજથી 722 રન બનાવ્યા હતા. આ મેચ પહેલા ગિલ અને ડુ પ્લેસિસ વચ્ચે માત્ર 8 રનનો તફાવત હતો. આ સિઝનમાં અત્યાર સુધીની છેલ્લી 4 મેચમાં ગિલના બેટમાં 3 સદી જોવા મળી છે. બીજી ક્વોલિફાયર મેચમાં શુભમન ગિલના બેટથી 129 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સાથે તેણે આ સિઝનમાં 16 ઇનિંગ્સમાં 60.79ની એવરેજથી 851 રન બનાવ્યા છે. ગિલ હવે પ્લેઓફ મેચોમાં સદી ફટકારનાર 7મો ખેલાડી બની ગયો છે. આ પહેલા મુરલી વિજય, વિરેન્દ્ર સેહવાગ, રિદ્ધિમાન સાહા, શેન વોટસન, જોસ બટલર અને રજત પાટીદાર આ કારનામું કરી ચુક્યા છે.