શુભમન ગિલની તોફાની ઇનિંગ્સની મદદથી ગુજરાત ટાઇટન્સે સતત ત્રીજી વાર ચેન્નઇને આપી હાર, ચેન્નઇ 178/7, ગાયકવાડ 92 રન, ગુજરાત ટાઇટન્સ 182/5 19.2 ઓવર શુભમન ગિલ 63

IPL 2023ની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 179 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ગુજરાતે 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. શુભમને ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 36 બોલમાં 63 રન બનાવ્યા હતા. જ્યારે રાશિદ ખાન, મોહમ્મદ શમી અને જોસેફે 2-2 વિકેટ લીધી હતી.

અંતિમ ક્ષણોમાં ગુજરાત ટાઇટન્સે બાજી મારી
ગિલના આઉટ થયા બાદ ગુજરાત ટાઇટન્સ પર પ્રેશર સતત વધ્યું હતું. જોકે વિજય શકંરે 27 રનની ઇનિંગ્સ રમીને ટાઇટન્સને જીતની કગાર પર લાવી દીધી હતી. છેલ્લી ત્રણ ઓવરમાં જ્યારે 30 રનની જરૂરિયાત હતી ત્યારે રાહુલ તેવટિયાએ 15 રન અને રાશિદ ખાને 3 બોલમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારી ગુજરાત ટાઇટન્સને જીત અપાવી હતી.

ગુજરાત ટાઇટન્સની શરૂઆત સ્ફોટક રહી હતી. રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ સ્ફોટક શરૂઆત અપાવતા બંનેએ પ્રથમ વિકેટ માટે 3.5 ઓવરમાં 37 રનની ભાગીદારી નોંધાવી હતી. પાવરપ્લે દરમિયાન ગુજરાત ટાઇટન્સે 6 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 65 રન બનાવ્યા હતા.આ દરમિયાન ગુજરાત ટાઇટન્સે પણ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઇજાગ્રસ્ત કેન વિલિયમ્સનને બહાર બેસાડ્યો હતો અને તેના સ્થાને સાંઇ સુદર્શનને સમાવ્યો હતો.

હંગર્કર ગુજરાત ટાઇટન્સ પર ત્રાટક્યો
સુદર્શને ત્રીજા ક્રમે બેટિંગમાં આવીને 17 બોલમાં 22 રનની ઇનિંગ્સ રમી હતી. સુદર્શનને રાજવર્ધન હંગર્કરે આઉટ કર્યો હતો. ડેબ્યૂ મેચ રમી રહેલા રાજવર્ધને બીજી સફળતા મેળવતા સાંઈ સુદર્શનને આઉટ કર્યો હતો. આ પછી જાડેજા ત્રાટક્યો હતો. તેણે હાર્દિક પંડ્યાને બોલ્ડ કર્યો હતો. આ દરમિયાન શુભમન ગિલે IPLની 15મી અર્ધસદી ફટકારી હતી. આ પછી તેને તુષાર દેશપાંડેએ આઉટ કર્યો હતો. ગિલ 36 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો હતો.

ચેન્નઇએ 179 રનનો ગુજરાતને આપ્યો ટાર્ગેટ
ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. IPL 2023ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો છે.તમને જણાવી દઈએ કે ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે ખરાબ શરૂઆત કરી હતી.

ડેવોન કોનવે ત્રીજી ઓવરમાં જ મોહમ્મદ શમીના હાથે બોલ્ડ થયો હતો. તેના પછી મોઈન અલીએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેણે 17 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. પાવર પ્લેની છેલ્લી ઓવરમાં મોઈનને રાશિદ ખાને આઉટ કર્યો હતો. જે બાદ ટીમે 6 ઓવરમાં 2 વિકેટના નુકસાને 51 રન બનાવીને પોતાનો પાવરપ્લે પૂરો કર્યો હતો.

ધોનીએ 7 બોલમાં 14 રન માર્યા
મહેન્દ્ર સિંહ ધોનીએ 7 બોલમાં 14* રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાન, મોહમ્મદ શમી અને અલ્ઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી, તો જોશુઆ લિટલને 1 વિકેટ મળી હતી. ચેન્નાઈએ ગુજરાતની ઈનિંગની શરૂઆત પહેલા ઈમ્પેક્ટ પ્લેયરને મેદાનમાં ઉતાર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે અંબાતી રાયડુની જગ્યાએ ઝડપી બોલર તુષાર દેશપાંડેની પસંદગી કરી હતી. તુષાર IPLનો પહેલો ઈમ્પેક્ટ પ્લેયર બન્યો હતો.