વુમન્સ સિંગલ્સ ફાઇનલમાં કર્ણાટકની શર્મદા બાલુ સામે મેળવી આસાન જીત, અનુભવી અંકિતા રૈનાની ગેરહાજરીમાં ગુજરાતે પોતાનો ગોલ્ડ મેડલ જાળવવામાં સફળતા મેળવી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ગુજરાતની યુવા ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈએ વુમન્સ સિંગલ્સ ટેનિસ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અહીં રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 36મી નેશનલ ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં ફાઇનલ મુકાબલામાં ઝીલે કર્ણાટકની શર્મદા બાલુને હાર આપી હતી. આ સાથે જ અનુભવી અંકિતા રૈનાની ગેરહાજરીમાં ઝીલ દેસાઇએ ગુજરાતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી છે.

નેશનલ ગેમ્સમાં ત્રીજી ક્રમાંકિત ઝીલ દેસાઇએ કર્ણાટકની શર્મદા બાલુ સામે 6-2, 3-2થી મેચ જીતી લીધી હતી. પ્રથમ સેટ જીત્યા બાદ બીજા સેટમાં 3-2થી આગળ હતી ત્યારે બાલુએ એંકલ ઇંજરીને કારણે મેચ છોડવાનો નિર્ણય કર્યો હતો. ઝીલે ત્યાં સુધી વુમન્સ સિંગલ્સ ફાઇનલમાં શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું, ઝીલે સોલિડ ગ્રાઉન્ડ સ્ટ્રોકને કારણે ઓપનિંગ સેટ સરળતાથી જીતી લીધો હતો. તો શર્મદા બાલુએ બીજા સેટની પ્રથમ બે ગેમ જીતીને તેને દબાણમાં લાવવામાં સફળ રહી હતી પરંતુ ત્રીજી ગેમમાં ઝડપથી બાલુની સર્વિસ બ્રેક કરીને ઝીલે સરસાઇ મેળવી લીધી હતી. આ જ સમય દરમિયાન બાલુને ઇજા પહોંચી હતી. ઓવરહેડ શોટ માટે જતા સમયે બાલુને પગની ઘૂંટી વળી ગઈ, બાલુને કોર્ટ પર જ તબીબી સહાય આપવામાં આવી હતી જોકે રમત દરમિયાન દુખાવો વધુ જણાતા તેણે મેચ છોડવાનો નિર્ણય કર્યો હતો.

ઝીલ દેસાઈએ ટાઇટલ જીત્યા પછી કહ્યું હતું કે “હું આજે ગોલ્ડ જીતીને ખૂબ જ ખુશ છું. હોમ ટર્ફ પર આટલા સમર્થન સાથે રમવાનો અનુભવ ખાસ રહ્યો હતો. ” જ્યારે કેટલાક ટોચના ખેલાડીઓ સંઘર્ષ કરતા હતા ત્યારે તેણીએ તેના પ્રદર્શનનું સ્તર કેવી રીતે જાળવવામાં સફળ રહી તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઝીલે કહ્યું હતું કે “હું અમદાવાદની ગરમીથી ટેવાયેલી છું અને તેમાંના કેટલાક સામે રમતી વખતે તેનો ગરમીમાં રમવાનો અનુભવ કામ આવ્યો હતો.”

ઝીલ એ ગુજરાત સરકારના આયોજનના પણ વખાણ કરતા જણાવ્યું હતું કે ” માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરવું આસાન નથી હોતું પરંતુ તેમ છતાં હું કહી શકું કે ટૂંકાગાળામાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરના ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યા છે. હું ઘણી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમી છું અને હું કહી શકું છું કે અહીંની સુવિધાઓ મોટાભાગની આંતરરાષ્ટ્રીય સ્તરની છે. તે ખરેખર પ્રશંસનીય છે કે આ બધી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા માત્ર ત્રણ મહિનામાં કરવામાં આવી હતી”.

નોંધનીય છે કે ગુજરાતે નેશનલ ગેમ્સ ટેનિસ ઇવેન્ટમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સાથે ઝુંબેશ પૂરી કરી હતી.