વડોદરાના ધારાસભ્ય અને મહિલા-બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ ગુમ થયા હોવાના વડોદરામાં પોસ્ટર લાગ્યા
વડોદરા.
વડોદરાના ધારાસભ્ય તથા રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર શહેરમાં લાગ્યા છે. વર્તમાન કેબિનેટના તેઓ કદાચ પહેલા મંત્રી હશે કે જેમના પોસ્ટર ગુમ થયા હોય તેવા લાગ્યા છે. કારણ કે નવી સરકારની રચના પાછળ ભાજપનો આ જ હેતુ હતો કે નવા મંત્રીઓની ટીમ ચૂંટણીના વર્ષમાં જોરદાર પર્ફોમન્સ આપે અને ફરી એકવાર સરકાર બનાવવાની રાહ આસાન કરી દે. જોકે મનીષ વકીલને ન જોઇતું હોય તેવું બિરૂદ વડોદરાની જનતાએ આપ્યું છે કે તેઓ હાલ ગુમ થઇ ગયા છે.
વડોદરાના શહેર – વાડી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલ ગુમ થયા હોવાના પોસ્ટરો શહેરમાં લાગ્યા હોવાનું બહાર આવતાં રાજકીય મોરચે ગણગણાટ શરૂ થઇ ગયો છે. શહેર – વાડી મત વિસ્તારમાં જ આવેલા ખોડિયાર નગર અને તેની આસપાસમાં દિવાલો પર લાગેલા પોસ્ટરો લગાડવા પાછળ સ્થાનીક રહીશોનો આક્રોશ, ભાજપની આંતરીક ખેંચતાણ કે અન્ય પક્ષનો રાજકીય દાવ જેવા અનેક સવાલો ઉભા થયા છે. જો કે, આ પોસ્ટર લાગવાથી ભારતીય જનતા પાર્ટીની સ્થાનીક નેતાગીરી પૈકીના અનેકના ફૂલ ગુલાબી હાસ્ય ખીલી ઉઠ્યા છે. આ પોસ્ટર લગાડવા પાછળ આમ આદમીની સાથે સંકળાયેલા કેટલાક સ્થાનીક આગેવાનો પણ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
મીડિયા સાથે વાત કરતા ખોડિયાર નગર વિસ્તારના સામાજીક કાર્યકર યોગેન્દ્ર પરમારે જણાવ્યું હતુ કે આ વિસ્તારની પ્રજાએ ત્રણ ટર્મથી તેમને હજારો વોટ આપીને જીતાડી લાવ્યા છે પરંતુ હજુ સુધી એક પણ વખત આ વિસ્તારમાં દેખાયા નથી. આ વિસ્તારમાં પાણી ગંદુ આવે છે, પાણી સમસ્યા છે. ચૂંટણી સમયે હાથ જોડીને મત માંગનારા નેતાઓ સ્વાર્થ પૂર્ણ થતા જ પ્રજાને ભૂલી જતાં હોય છે. વડોદરાના સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલ જ્યારથી ચૂંટણી જીતીને પદ પર આવ્યા છે, ત્યારથી લઈને આજદિન સુધી અહીના વિસ્તારમાં એકપણ વખત આંટો માર્યો નથી.