નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ કરવાનું ચૂંટણી મેનિફેસ્ટોમાં વચન આપ્યું
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
જ્યારથી અમદાવાદના મોટેરા સ્થિત ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભ ભાઇ પટેલથી બદલીને નરેન્દ્ર મોદી કરાયું છે ત્યારથી વિવાદોના ઘેરામાં જ રહ્યું છે. કોંગ્રેસે ગુજરાત ઇલેક્શનને લઇ ફરીથી સરદાર પટેલના નામે રાજનીતિ શરૂ કરી છે. ચૂંટણીને લઇ કોંગ્રેસે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે જેમાં તેઓએ સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર પટેલ કરવાનું વચન આપ્યું છે. કોંગ્રેસના આ વાયદાની ચર્ચા ચોતરફ થઇ રહી છે. કારણ કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન એ સ્વાયત્ત સંસ્થા છે જેથી નામ શું રાખવું તેની સત્તા માત્ર તેમની પાસે જ હોય છે, જોકે કોંગ્રેસે ફરીથી સ્ટેડિયમના નામને લઇ રાજનીતિ શરૂ કરી છે. પાર્ટીના નેતા મધુસૂદન મિસ્ત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે, મોદી ક્યારેય પટેલ બની શકતા નથી. તેમણે કહ્યું, તેઓ આ ચૂંટણીમાં તેમની સ્થિતિ જોશે.