મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કર્યું એલાન, ગુજરાત 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમિયાન પ્રતિષ્ઠિત 36મી નેશનલ ગેમ્સ 2022ની યજમાની કરવા તૈયાર

ગુજરાત, ભૂપેન્દ્ર પટેલ, Gujarat Host National Games, National Games 2022, Harsh Sanghavi,  IOA,

સાત વર્ષ બાદ નેશનલ ગેમ્સનું થશે આયોજન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
રમત ગમત ક્ષેત્રે ગુજરાત તેના સકારાત્મક અભિગમ સાથે સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી, 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમિયાન પ્રતિષ્ઠિત 36મી નેશનલ ગેમ્સ 2022ની યજમાની કરવા તૈયાર છે. નેશનલ ગેમ્સમાં ભાગ લેવો એ દરેક ખેલાડી માટે ગર્વની વાત છે. તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, રેકોર્ડ તોડવા અને નવા રેકોર્ડસ બનાવવાનું પ્લેટફોર્મ આ નેશનલ ગેમ્સ થકી મેળવી શકાય છે. નેશનલ ગેમ્સ છેલ્લે 2015 માં કેરળમાં આયોજિત કરવામાં આવી હતી. કોરોના સહિતના વિવિધ કારણોસર, હવે 7 વર્ષના અંતરાલ પછી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે.

ગુજરાત સરકારે, એશીયન ગેમ્સ 2022 મુલત્વી રહેવાના કારણે અને નેશનલ ગેમ્સ લાંબા અંતરાલ પછી યોજાતી હોવાને ધ્યાનમાં લેતા, 36મી નેશનલ ગેમ્સના યજમાન બનવા માટે ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશનનો સંપર્ક કર્યો હતો. એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લૉન ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, કુશ્તી, કબડ્ડી, ખો-ખો, મલ્લખંભા અને યોગાસન સહિત 34 થી પણ વઘુ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સમાં દેશના 7000 થી વધુ ટોચના ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરશે અપેક્ષા છે.

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા 6 શહેરોને આવરી લેતા વિવિધ રમતગમતની સ્પર્ધાઓ રાજ્યભરમાં રમાશે. જેથી રાજ્યના અનેક રમત પ્રેમીઓ આ ઉત્સવમાં જોડાશે. ઓલિમ્પિક અભિયાન સાથે સંલગ્ન, ગુજરાત આ રમતોનું આયોજન કરવા માટે તેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે. ઉભી થયેલી નવી માળખાકીય સુવિધાઓનો ભવિષ્યમાં શ્રેષ્ઠ ખેલાડીઓને તૈયાર કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.

20 વર્ષ પહેલાં, તત્કાલિન મુખ્ય પ્રધાન અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યાત્રા શરૂ કરી હતી. તેમના વિઝનના પરિણામે, ગુજરાત 36મી નેશનલ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે 6 શહેરો રમતગમતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓથી સજ્જ છે.

એ પણ નોંધવું જોઈએ કે આ નેશનલ ગેમ્સનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રમતગમત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યએ તાજેતરમાં 55 લાખની રેકોર્ડ રજીસ્ટ્રેશન સાથે 11મા ખેલ મહાકુંભનું સમાપન કર્યું હતું અને ગયા મહિને એકતા નગર (કેવડિયા)માં દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમતના પ્રભારી મંત્રીઓની કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું.

ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશનના સેક્રેટરી, જનરલ રાજીવ મહેતાએ નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતની તૈયારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા સાથે પરામર્શ કરીને રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમના મતે ગુજરાત આયોજન માટે બિલકુલ તૈયાર છે. તેમણે ગૌરવશાળી નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટેના રાજ્ય સરકારના સક્રિય અભિગમની પણ પ્રશંસા કરી હતી.

મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ જાણે છે કે ગુજરાત શ્રેષ્ઠ યજમાન છે. અમે અમારા દેશના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓને સૌથી મોટા રમતગમત પ્લેટફોર્મ પર હોસ્ટ કરવા માટે આતુર છીએ. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને 3 મહિનાના વિક્રમી સમયગાળામાં નેશનલ ગેમ્સ જેવી મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટ્નું આયોજન કરી ગુજરાત અન્ય રાજ્યો માટે એક ઉત્તમ ઉદાહરણ અને રોલ મોડલ સ્થાપિત કરશે. સ્વાભાવિક છે કે આ નવા ભારતમાં કંઈ પણ શક્ય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.