લંડનમાં રહેતા ભારતીય મૂળના પરિણીત યુગલ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.
બંનેને ઈંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયામાં 57 મિલિયન પાઉન્ડ (રૂ. 600 કરોડ)ના ડ્રગ્સની દાણચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ચોંકાવનારી વાતતો એ છે કે આ કપલ પર ગુજરાતમાં ડબલ મર્ડરનો આરોપ છે.
ભારતની તમામ વિનંતીઓ છતાં, બ્રિટિશ અદાલતોએ તેમને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો.
હવે સોમવારે તેઓ લંડનથી સિડનીની કોમર્શિયલ ફ્લાઈટ મારફતે રૂ. 600 કરોડના કોકેઈનની દાણચોરી અને મની લોન્ડરિંગના દોષી સાબિત થયા છે.
નૈરોબીમાં જન્મેલી 59 વર્ષની બ્રિટિશ ભારતીય આરતી ધીરનો પરિવાર પંજાબના ગુરદાસપુરનો છે.
મહિલાનો 35 વર્ષીય પતિ કવલજીત સિંહ રાયજાદા ગુજરાતના કેશોદનો મૂળ રહેવાસી છે અને તે ભારતીય નાગરિક છે અને બંને હાલ હેનવેલ (ઈંગ્લેન્ડ)માં રહે છે.
તેને ઓસ્ટ્રેલિયામાં 514 કિલોગ્રામ કોકેન મોકલવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે.
નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)ની તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ આ દવાઓ એક કંપની દ્વારા મોકલતા હતા. તેણે ધાતુના ટૂલબોક્સમાં સંતાડીને પ્લેન દ્વારા કોકેઈન મોકલ્યું હતું.
કોકેન મે 2021માં સિડની પહોંચ્યું હતું આ પછી ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે તપાસ શરૂ કરી અને આ કપલનો આ મોટા કૌભાંડમાં ખુલાસો થયો. અધિકારીઓને ખબર પડી કે આ માલ આરતી ધીર અને રાયજાદા પાસેથી આવ્યો છે.
ડ્રગ્સની દાણચોરીના એકમાત્ર હેતુ માટે તેણે વાઈફલાય ફ્રેઈટ સર્વિસીસ નામની ફ્રન્ટ કંપનીની સ્થાપના કરી હોવાની વાતનો ખુલાસો થયો હતો.
પ્લાસ્ટિક રેપિંગ પર રાયજાદાના ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા હતા. દંપતીના ઘરમાંથી જે ટૂલબોક્સમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું તેની રસીદો મળી આવી હતી.
ધીર અને રાયઝાદા બંને લંડનના હીથ્રોમાં ફ્લાઇટ સર્વિસ કંપનીમાં કામ કરતા હતા જેનો ફાયદો ઉઠાવીને તેઓએ વિમાનમાં ડ્રગ્સની હેરાફેરીની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપ્યો હતો.
બન્નેની ધરપકડ બાદ તેઓના ઘરે થયેલી તપાસમાં લાખો પાઉન્ડ રોકડ અને સોનાનો ઢોળ ચડાવેલી ચાંદીની લગડીઓ મળી આવી હતી.
તેને સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં ડ્રગ એક્સપોર્ટના 12 અને મની લોન્ડરિંગના 18 ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
જોકે, ધીર અને રાયજાદાએ આરોપોને નકારી કાઢ્યા છે.
હવે NCA તેની ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલી મિલકત જપ્ત કરવા તેની સામે કાર્યવાહી શરૂ કરશે.
ભારતમાં બેવડી હત્યાના આરોપો મામલે ભારતે 2019 માં દંપતીને પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દંપતી પર ગુજરાતમાં 12 વર્ષના અનાથ ગોપાલ સેજાની અને તેના સાળા હરસુખભાઈ છગનભાઈ કરદાનીની હત્યા માટે નીતિશ મુંડ સાથે મળીને કાવતરું ઘડવાનો આરોપ છે. ગોપાલ સેજાણીને 2015માં ધીરે દત્તક લીધો હતો.
આરતી ધીરે ગોપાલ માટે રૂ. 1.3 કરોડની વીમા પોલિસી લીધી હતી. તેના પૈસાનો દાવો કરવા માટે, બંનેએ કથિત રીતે છોકરાની હત્યા કરી હોવાનો આરોપ છે.
8 ફેબ્રુઆરી 2017ના રોજ જૂનાગઢના કેશોદમાં ગોપાલ અને કરદાણી પર બે નકાબધારી હત્યારાઓએ હુમલો કર્યો હતો,બાદમાં હોસ્પિટલમાં તેઓનું મૃત્યુ થયું હતું.
આ ડબલ મર્ડર કેસમાં ધીર અને રાયજાદા પર હત્યારાઓને રૂ.5 લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાનો આરોપ છે.
ત્યારબાદ આ કેસમાં તા.2 જુલાઈ, 2019 ના રોજ આ દંપતીના પ્રત્યાર્પણની માંગ કરી હતી જે લંડનની કોર્ટ દ્વારા પ્રત્યાર્પણની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.