લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે અને નેતાઓમાં પક્ષ પલટો ચાલુ છે તેવે સમયે કોંગ્રેસના યુવા નેતા અંબરીશ ડેર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જવાના છે,અંબરીશ ડેરને 6 વર્ષ
માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા તેઓએ વળતી પ્રતિક્રિયામાં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ આવતીકાલે સમર્થકો સાથે
ભાજપમાં જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબરીશ ડેરને ભાજપમાં જોડાવા માટે સીઆર પાટીલે બબ્બેવાર જાહેર મંચ પરથી કહ્યું હતું પણ આમ છતાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવા માટે મુંઝવણમાં હતા અને કોંગ્રેસમાં રહ્યા હતા પણ હવે તેઓએ પાટીલની વાત માની લીધી છે.
આમ લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાઈ રહયા છે.
આજે સવારે જ્યારે અંબરીશ ડેરની સીઆર પાટીલ સાથે બેઠક મળી હતી જેમાં પ્રદેશ ભાજપ મંત્રી રઘુ હુંબલ,રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પીકે લહેરી, ભાજપ નેતા ભરત ડાંગર,માયા ભાઈ આહીર સહિત આહીર સમાજના આગેવાનો હાજર હતા જ્યારે બીજી તરફ આજ સમયે કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા માટે રાખેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, આમ ડેર
રાજીનામું આપે તે પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ છે.
બીજી તરફ કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી કોંગ્રેસના મલ્લિકાજુર્ન ખડગેને મોકલી આપ્યું હતું. અને તેઓ હવે આવતીકાલે સમર્થકો સાથે બપોરે 12:30 કલાકે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જશે તેમ કહ્યું છે.
તેઓ અગાઉ પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસના સ્ટેન્ડથી પણ નારાજ હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા સીઆર પાટીલે તેઓને ભાજપમાં લાવવાનો સંકેત આપ્યો હતો.
2023ના નવેમ્બર મહિનામાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે માયાભાઈ આહીરની નવનિર્મિત હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોની હાજરીમાં યોજાયેલી
જાહેરસભામાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે
કોંગ્રેસના નેતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરને લઈને સૂચક નિવેદન કરતા કહ્યું હતું કે,જેના માટે મેં બસમાં રૂમાલ રાખી મૂક્યો હતો, પરંતુ બસ
ચૂકી ગયા એવા અમરીષભાઈ ડેર.’ સી.આર પાટીલની આવા સૂચક નિવેદન સાથે અંતમાં એવું પણ જણાવ્યું હતું કે ‘તેઓ મારા મિત્ર છે અને હું હાથ પકડીને તેમને
ભાજપમાં લાવવાનો જ છું,આખરે આ વાત સાચી પડી છે અને આખરે ડેર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહયા છે.
અત્રે નોંધનીય છે કે 15 મહિના પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજુલામાંથી અમરીષ ડેરનો પરાજય થયો હતો.
મહત્વનું છે કે તેઓ 2017માં અમરેલીની આ બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
ડેર ઉપરાંત પાર્ટીના એક વરિષ્ઠ ધારાસભ્ય કોંગ્રેસ છોડવાની અટકળો પણ સામે આવી છે.
પાર્ટીના 17માંથી બે ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે અને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે.
બીજી તરફ મણિપુરથી શરૂ થયેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે ગુજરાત પહોંચશે.
આ યાત્રા લગભગ ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે, આ દરમિયાન રાહુલ ગાંધી માટે પદયાત્રા અને શેરી સભાઓને સંબોધવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
એક તરફ પાર્ટી તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ અંબરીશ ડેરના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.