જમ્મુ કાશ્મીર 182 રનમાં ઓલઆઉટ, ગુજરાતે 1 વિકેટે 11 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો, વર્તમાન સિઝનમાં ગુજરાતનો પ્રથમ વિજય

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે જમ્મુ કાશ્મીરને નવ વિકેટે હાર આપી છે. મેચના ત્રીજા દિવસે જ ગુજરાતે જીત મેળવી હતી. જમ્મુ કાશ્મીર બીજી ઇનિંગ્સમાં 182 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું જેથી ગુજરાતને 11 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 11 રનના ટાર્ગેટનો પીછો કરતા કેપ્ટન પ્રિયાંક પંચાલ મોટો શોટ રમવા જતા આઉટ થયો હતો. જેના કારણે ગુજરાતને 10 વિકેટે જીતનો એક પોઇન્ટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપનાર સિદ્ધાર્થ દેસાઇએ બીજી ઇનિગ્સમાં પણ તરખાટ મચાવ્યો હતો અને 8 વિકેટ ઝડપી મેચમાં 14 વિકેટ પોતાના નામે કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ ત્રિપુરા સામેની મેચમાં સરસાઇ મેળવી શકનાર ગુજરાતને 6 પોઇન્ટ મળ્યા હતા અને આ સાથે જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની તેની આશા જળવાઇ રહી છે.
 
ગઇકાલે જમ્મુ કાશ્મીરે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ગુમાવી હતી અને આજે ત્રીજા દિવસે 3 વિકેટે 83 રનથી પોતાનો દાવ આગળ ધપાવ્યો હતો. હેનાન નઝીર અને શુભમ પુંડીરે શાનદાર શરૂઆત કરી હતી.. જોકે ઝડપથી રમવાના ચક્કરમાં જમ્મુ કાશ્મીરે નિયમિત અંતરે વિકેટે ગુમાવી હતી. નઝરી 43, ફઝીલ રશીદ 27, પુંડીર 29 તથા વિવરાન્ત શર્મા 41 રન રન બનાવી આઉટ થયા હતા. આ તરફ સિદ્ધાર્થી દેસાઇએ મેચમાં ગુજરાત માટે લેફ્ટ આર્મ ઓફ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈ હીરો રહ્યો હતો. તેણે પ્રથમ દાવમાં 6 વિકેટ ઝડપ્યા બાદ બીજી ઇનિંગ્સમાં 8 વિકેટ લીધી હતી. આ સાથે તેનો મેચનો ફાઇનલ ફિગર 14/104નો રહ્યો.

ગુજરાત માટે રણજી ટ્રોફીના ઇતિહાસમાં આ બીજો શ્રેષ્ઠ દેખાવ છે. આ ઉપરાંત સિદ્ધાર્થ એક જ ઇનિંગ્સમાં 8 વિકેટ લેનાર ગુજરાતનો સાતમો બોલર બન્યો છે. સિદ્ધાર્થે ફ્લાઇટનો સારો ઉપયોગ કરવા ઉપરાંત પોતાના સ્પેલ દરમિયાન પેસ પણ સારી રીતે વેરી કરી હતી. તેણે બીજા દાવમાં 18 ઓવરમાં 2 મેડન સહિત 66 રન આપીને 8 વિકેટ લીધી હતી. નોંધનીય છે કે, ગુજરાત પોતાની આગામી મેચ આ જ ગ્રાઉન્ડ પર 27 ડિસેમ્બરે ચંદીગઢ સામે રમશે.