બે તબક્કામાં યોજાશે ગુજરાતની ચૂંટણી, પ્રથમ તબક્કો 30 નવેમ્બર, બીજો તબક્કો 4 ડિસેમ્બરે યોજાઇ શકે છે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોના એલાનની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી અને હવે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે દેશનું મુખ્ય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે ગુરુવારે બપોરે તારીખોનું એલાન કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ વર્ષ 2017ની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે.
ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે. આ પહેલા ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી હતી, ત્યારબાદ વિપક્ષ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપની આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.
વિપક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
તાજેતરમાં વિપક્ષે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર ન કરવા પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, ‘દેખીતી રીતે વડાપ્રધાનને કેટલાક મોટા વચનો આપવા અને ઉદ્ઘાટન કરવા માટે વધુ સમય આપવા માટે આવું કરવામાં આવ્યું છે. આમાં કોઈ આશ્ચર્યની વાત નથી.’
2017માં બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મતગણતરી એક સાથે 18 ડિસેમ્બરે થઈ હતી. વાસ્તવમાં ગુજરાતમાં પૂરના કારણે ચૂંટણી પંચે રાજ્યમાં હિમાચલ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ ચૂંટણી કરાવવી પડી હતી. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષ 1998, 2007 અને 2012માં એક સાથે ચૂંટણી યોજાઈ હતી. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થાય છે.