બીજા તબક્કામાં વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 93 બેઠકો પર મતદાન થયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સોમવારે (5 ડિસેમ્બર) પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં 59.87 ટકા મતદાન થયું છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થયું હતું. ગુજરાત ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને અન્ય જિલ્લાઓમાં ફેલાયેલી આ વિધાનસભા બેઠકો પર 61 રાજકીય પક્ષોના કુલ 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં સાબરકાંઠામાં સૌથી વધુ 65.84% અને મહીસાગરમાં સૌથી ઓછું 54.26% મતદાન નોંધાયું હતું.

મધ્ય ગુજરાતની 61 બેઠકો પર પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ છોટાઉદેપુરમાં 62.04 % અને અમદાવાદમાં સૌથી ઓછુ 53.16 % મતદાન નોંધાયું છે. આ ઉપરાંત દાહોદમાં 55.80 %, ખેડામાં 62.65 %, મહીસાગરમાં 54.26 %, પંચમહાલમાં 62.03 % અને વડોદરામાં 58 % જેટલુ મતદાન નોંધાયું છે. આ તરફ અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 53.57 ટકા નોંધાયું છે. જેમાં સૌથી વધુ સૌથી વધુ 64.44 ટકા મતદાન દસક્રાઈ તાલુકામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 45.40 ટકા અસારવામાં નોંધાયું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન
અગાઉ 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં લગભગ 63 ટકા મતદાન થયું હતું. હિમાચલની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં હતા. પ્રથમ તબક્કામાં સૌથી વધુ 82.71 ટકા મતદાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં થયું હતું. આ પછી વલસાડ જિલ્લાના કપરાડામાં 79.57 ટકા મતદાન થયું હતું. કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠક પર સૌથી ઓછું 47.86% મતદાન નોંધાયું હતું. નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24% મતદાન થયું હતું. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58% મતદાન થયું હતું.

મોટા નેતાઓએ પ્રચાર કર્યો
રાજ્યમાં 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપની નજર સતત સાતમી વખત સત્તા પર છે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP) પણ આ ચૂંટણીમાં ભાજપને પડકાર આપી રહી છે. ગુજરાત ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીના સીએમ યોગી સહિત અનેક નેતાઓએ ભાજપ વતી રેલીઓ કરી છે. કોંગ્રેસ વતી પણ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સહિત ઘણા નેતાઓ પ્રચારની કમાન સંભાળી રહ્યા હતા. આમ આદમી પાર્ટી માટે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટણીની કમાન સંભાળી હતી.