ભારતે તમામ પાત્ર કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા પુનઃસ્થાપિત કરી છે.
કેનેડામાં ભારતીય હાઈ કમિશને જાહેરાત કરી કે લગભગ બે મહિનાના વિરામ બાદ ભારતે પાત્ર કેનેડિયન નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે.
સત્તાવાર સૂચના જણાવે છે કે ઈ-વિઝા સુવિધા નિયમિત/સામાન્ય કેનેડિયન પાસપોર્ટ ધરાવતા લોકો માટે ઉપલબ્ધ છે.
કેનેડિયન પાસપોર્ટની અન્ય કોઈપણ શ્રેણીના ધારકોએ નિયમિત પેપર વિઝા માટે અરજી કરવી આવશ્યક છે.

આ વર્ષની શરૂઆતમાં કેનેડાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના આરોપોને કારણે તીવ્ર ઘટાડા બાદ ઇ-વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું પગલું એ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

ભારતે ગયા મહિને એક મહિનાના પ્રતિબંધ પછી કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓની અમુક શ્રેણીઓનું નવીકરણ કર્યા પછી આ વધુ એક પગલું છે.
ઓટ્ટાવાએ નિર્ણયને આવકાર્યો અને તેને “કેનેડિયનો માટે સારા સમાચાર” ગણાવ્યા હતા.

ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ જૂનમાં શરૂ થયો હતો જ્યારે બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારા બહાર અજાણ્યા હુમલાખોરો દ્વારા નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પાછળથી સંસદમાં આરોપ મૂક્યો હતો, ગુપ્તચર અહેવાલોના આધારે, ભારત સરકારના એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચેની “વિશ્વસનીય” કડી છે.
આ દાવાઓને યુએસ ગુપ્તચર સહાય દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તેના પુરાવાઓ કે પુષ્ટિ મળી નથી.
ભારતે કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે, આરોપોને “વાહિયાત” અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે.
જોકે,નવા વર્ષમાં ભારતે તમામ પાત્ર કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા પુનઃસ્થાપિત કરી છે.

મહત્વનું છે કે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો બગડતા ભારતે 21 સપ્ટેમ્બરના રોજ કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી પરંતુ રાજદ્વારી વિવાદ વચ્ચે બે મહિનાના વિરામ બાદ હવે ફરી ભારતે કેનેડિયનો માટે ઈ-વિઝા સેવાઓ શરૂ કરી છે.