પંજાબના સીએમ ભગવંત માને ખુદ કર્યું એલાન

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં અટકાયત કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ દાવો કર્યો છે. ભગવંત માને જણાવ્યું છે કે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને કેલિફોર્નિયામાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. અગાઉ, એજન્સીઓના સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી હતી કે બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત કરવામાં આવી છે.

જો કે, સમાચાર એજન્સી પીટીઆઈએ પંજાબ પોલીસના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે અત્યાર સુધી બ્રારની અટકાયતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતા સિંગર શુભદીપ સિંહ સિદ્ધુની પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય બ્રારે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. આ કેસમાં પોલીસે જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઈની ઘણી વખત પૂછપરછ કરી છે. બિશ્નોઈની સૂચના પર મુસેવાલાને ગોળી મારી દેવામાં આવી હતી.

ગોલ્ડી સામે રેડ કોર્નર નોટિસ

અગાઉ ગોલ્ડી બ્રાર સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. વિદેશમાં ભાગેડુ બદમાશોની ધરપકડ કે કસ્ટડી માટે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે. પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. બ્રાર ગયા મહિને ડેરા સચ્ચા સૌદાના અનુયાયીની હત્યામાં પણ મુખ્ય કાવતરાખોર હતો. ભારતીય એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી તેને શોધી રહી હતી.

બ્રાર FBIની ચુંગાલમાં ફસાયો

મળતી માહિતી મુજબ, અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈએ મુસેવાલાના આરોપી ગોલ્ડી બ્રારને શોધી કાઢ્યો હતો. તેનું ટ્રેકિંગ ઘણા દિવસો સુધી ચાલતું હતું, ત્યારબાદ કેલિફોર્નિયામાં તેનું ઠેકાણું મળી આવ્યું. એફબીઆઈએ થોડા દિવસો પહેલા ગોલ્ડીને કસ્ટડીમાં લીધી હતી, ત્યાર બાદ હવે ભારતીય એજન્સીઓએ તેના દસ્તાવેજો માંગ્યા છે. કસ્ટડીમાં લીધા બાદ ગોલ્ડી હવે ભારત પરત ફરી શકે છે. ભારતીય એજન્સીઓ તેના પ્રત્યાર્પણ માટે વહેલી તકે તૈયારીઓ શરૂ કરી શકે છે.