સિડની સ્થિત ટ્રાન્સ અર્બન દ્વારા સંચાલિત ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા મોટરવે કંટ્રોલ સિસ્ટમ સેન્ટરની મુલાકાત પણ લીધી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. સિડની
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને તેમને ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. હાલ ગડકરી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી પર ચર્ચા કરવા માટે વિશેષ રુચી દાખવી રહ્યા છે.
આ અંગે જારી સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ગડકરી મંગળવારથી ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસ પર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગડકરીએ ઓસ્ટ્રેલિયાના સંસદસભ્ય અને ક્લાઈમેટ ચેન્જ અને એનર્જી માટેના સહાયક મંત્રી જેની મેકએલિસ્ટર સાથે વાતચીત કરી હતી. ગડકરી અને મેકએલિસ્ટરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવાની તકો પર ચર્ચા કરી, ખાસ કરીને ચોખ્ખા શૂન્ય ઉત્સર્જન, પરિવહન અને સંબંધિત માળખાગત વિકાસના ક્ષેત્રમાં રોકાણ અંગેની તકો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
નીતિન ગડકરીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ એડમ કોપ અને તેમની ટીમ સાથે બેઠક યોજી હતી જેમાં ઓસ્ટ્રેલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગના નેતાઓ સાથે ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં તકો અને સંભવિત સહયોગ અંગે બેઠક કરી હતી. ગડકરીએ UNSWના પ્રોફેસર વિનાયક દીક્ષિત અને આઈએએચઈના ડાયરેક્ટર સંજીવ કુમાર સાથે પણ બેઠક યોજી હતી .મંત્રીને સેન્ટર ફોર એડવાન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી એન્ડ સિસ્ટમ્સ (સીએટીટીએસ)ની પ્રગતિ વિશે માહિતી આપવામાં આવી હતી જે IAHE દ્વારા યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી થઈ હતી.
કેન્દ્રીય મંત્રીએ આ સમયગાળા દરમિયાન એસેટ મેનેજમેન્ટ કંપની મેક્વેરી એસેટ મેનેજમેન્ટના એશિયા પેસિફિક ક્ષેત્રના વડા ફ્રેન્ક ક્વોક અને તેમની ટીમ સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન નીતિન ગડકરીએ સિડની સ્થિત ટ્રાન્સ અર્બન દ્વારા સંચાલિત ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા મોટરવે કંટ્રોલ સિસ્ટમ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.