ગ્રાહકોને આ ઉત્પાદનોનું સેવન ન કરવા અને તેને પરત કરવા કે ફેંકી દેવા સૂચના, ન્યુઝીલેન્ડ ફૂડ સેફ્ટીએ Vimms Enterprises Ltd. દ્વારા આયાતને સ્વાસ્થ્ય જોખમી ગણાવી

અર્જુન સુપરમાર્કેટ, માનુકાઉમાં લોટસ સુપરમાર્કેટ અને હેન્ડરસનમાં યોગીજી સુપરમાર્કેટમાં આ બ્રાન્ડ ઉપલબ્ધ

Namaskar Gujarat News વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ ફૂડ સેફ્ટીએ Vimms Enterprises Ltd. દ્વારા આયાત કરાયેલા ‘Deep’ બ્રાન્ડના ફ્રોઝન શાકભાજીને Salmonella નામના બેક્ટેરિયાના સંભવિત જોખમને કારણે તાત્કાલિક પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે.

આ રિકોલમાં Deep બ્રાન્ડના ‘Sprouted Mat’, ‘Sprouted Moong beans’ અને ‘Surti Undhiu Mix’ (સુરતી ઊંધિયું મિશ્રણ) ના તમામ બેચ અને તમામ તારીખોના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો મુખ્યત્વે ઓકલેન્ડના ન્યુ લિનમાં આવેલી અર્જુન સુપરમાર્કેટ, માનુકાઉમાં લોટસ સુપરમાર્કેટ અને હેન્ડરસનમાં યોગીજી સુપરમાર્કેટ પર વેચાયા હતા. સુરતી ઊંધિયું મિશ્રણ દેશભરની ભારતીય કરિયાણાની દુકાનોમાં પણ ઉપલબ્ધ હતું. તેમ છતાં જો અન્ય શહેર કે સ્ટોર પર જો તેનું વેચાણ થયું હોય તો સ્ટોર માલિકોનો સંપર્ક કરી શકો છો.

ન્યુઝીલેન્ડ ફૂડ સેફ્ટીના ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ વિન્સેન્ટ આર્બકલએ ગ્રાહકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “સાલ્મોનેલોસિસ ગંભીર હોઈ શકે છે, તેથી લોકો માટે આ ઉત્પાદનોનું સેવન ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.” તેમણે કહ્યું કે જો કોઈની પાસે આ ઉત્પાદનો હોય તો તેઓ તેને ખરીદીની જગ્યાએ પરત કરીને પૈસા પાછા લઈ શકે છે અથવા તેને ફેંકી દે.

સાલ્મોનેલોસિસના લક્ષણો:સાલ્મોનેલાના ચેપના લક્ષણો ૧૨ થી ૭૨ કલાકમાં દેખાઈ શકે છે, જેમાં ઝાડા, પેટમાં ખેંચાણ, તાવ, માથાનો દુખાવો, ઉબકા અને ઉલટીનો સમાવેશ થાય છે. આ બિમારી સામાન્ય રીતે ૪ થી ૭ દિવસ સુધી ચાલે છે, પરંતુ ગંભીર કિસ્સાઓમાં ૧૦ દિવસ સુધી ચાલી શકે છે અને વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

જો કોઈ વ્યક્તિએ આ ઉત્પાદનોનું સેવન કર્યું હોય અને તેઓને તેમના સ્વાસ્થ્યની ચિંતા હોય, તો તેમણે તાત્કાલિક તેમના આરોગ્ય વ્યાવસાયિકનો સંપર્ક કરવો અથવા મફત સલાહ માટે હેલ્થલાઇન (Healthline) ૦૮૦૦ ૬૧૧ ૧૧૬ પર કૉલ કરવો.

ન્યુઝીલેન્ડ ફૂડ સેફ્ટીને આ સંબંધિત કોઈ બીમારીના અહેવાલો મળ્યા નથી. આ ઉત્પાદનોની આયાત કરવામાં આવી હતી અને તેને યુએસએ અને ઓસ્ટ્રેલિયામાં પણ પાછા ખેંચવામાં આવ્યા છે. તમામ ઉત્પાદનોને દુકાનોની છાજલીઓ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

For further information and general enquiries, call MPI on 0800 008 333 or email [email protected]

વધુ માહિતી માટે આપ નીચેની લિંક પર ક્લિક કરી શકો છો. https://www.mpi.govt.nz/news/media-releases/frozen-sprouted-beans-and-mixed-vegetables-recalled-due-to-possible-presence-of-salmonella/

અમેરિકામાં 4 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા
માર્ચ મહિનામાં FDA દ્વારા હાલમાં સાલ્મોનેલાના રાજ્યવ્યાપી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 10 અલગ-અલગ યુએસ રાજ્યોમાં કેસ મળી આવ્યા છે. કન્ઝ્યુમર રિપોર્ટ્સ અનુસાર, 11 લોકોને ખોરાકજન્ય બીમારી થઈ છે, જેમાંથી ચારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં ન્યુઝીલેન્ડમાં આ ઉત્પાદન સાથે સંકળાયેલા સાલ્મોનેલાના કોઈ કેસ નોંધાયા નથી.