સામાન્ય ઝઘડામાં એક 24 વર્ષીય વ્યક્તિએ જીવ ગુમાવ્યો

સોમવારે સવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનના ફૂડ કોર્ટમાં યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
સોમવારે સવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનના ફૂડ કોર્ટમાં યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો છે. 24 વર્ષીય લુઇ માઇકલ તાગાલોઆનું આ ઝઘડામાં મૃત્યુ થયું છે. એક દિકરીના પિતા તાગાલોઆએ થોડા સમય પહેલા જ પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો. સમગ્ર ઝઘડામાં કોઇએ વીડિયો ઉતાર્યો હતો અને હવે સોશિયલ મીડિયામાં ઝડપથી તે વાયરલ થઇ રહ્યો છે. બ્રિસબેનથી 20 કિલોમીટર દૂર આવેલ બર્કડેલના 20 વર્ષીય સેરામ ક્વામી ડેંજ્તુ વિરુદ્ધ મર્ડરના ચાર્જ લગાવવામાં આવ્યા છે. હાલ સમગ્ર કેસ બ્રિસબેન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે અને 8મી ઓગસ્ટ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ક્વિન્સલેન્ડ પોલીસના ઇન્સ્પેક્ટર સીન ક્રાયરે જણાવ્યું હતું કે બ્રિસબેન સિટી કાઉન્સિલના સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે મોલમાં કંઇક ઘટના ઘટી છે. વધુ તપાસ હાથ ધરતા એક વ્યક્તિનું મર્ડર થયું હોવાનું સામે આવ્યું હતું. સાક્ષીઓએ પ્રાથમિક ઉપચાર આપવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં સુધી તાગાલોઆનું મૃત્યુ થઇ ચુક્યું હતું. મૃતકના મિત્રો મોડે સુધી ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

પોલીસે આ વિસ્તારની શોધખોળ કરી અને ફોર્ટિટ્યુડ વેલી ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મ 4 પર ત્રણ માણસો મળી આવ્યા હતા જેમને પછી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસનો આરોપ છે કે ઘટનાસ્થળેથી એક હથિયાર મળી આવ્યું હતું. 21 અને 20 વર્ષની વયના અન્ય બે માણસો, ટાગાલોઆના મૃત્યુ પછી પોલીસને મદદ કરી રહ્યા હતા અને હવે તેઓને કોઈ આરોપ વિના મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે બોલાચાલીના ઘણા સાક્ષીઓ હતા અને ગેંગ હિંસા સામેલ હોવાના કોઈ સંકેત નથી.