ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અરબસાગરથી ભેજ લઈને આવતા પવનોને કારણે રાજ્યમાં હળવા વરસાદની આગાહી થઈ છે.
દરમિયાન વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે સુરતમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ બાદ આજે દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો માહોલ જામ્યો છે અને દ્વારકાના કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના હાબરડી, મોટા આસોટા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યુ હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ માવઠાની શક્યતા છે.
આવતીકાલ 23 ડિસેમ્બર બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે.
23 મી બાદ ઉત્તર ભારતમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે અને ગુજરાતમાં પણ માવઠું થવાની શકયતાછે.
ડિસેમ્બર અંતમાં સમગ્ર ગુજરાતમાં ઠંડી વધશે.આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો પ્રકોપ વધવાની પણ આગાહી કરવામાં આવી છે.