જેસલમેરમાં પંચરની દુકાનમાં ભયાનક હાદસો, ઘટનામાં પાંચ યુવકને નાની-મોટી ઇજા

જેસલમેર.
રાજસ્થાનના જેસલમેરમાં રેલ્વે સ્ટેશન રોડ પર બાબા બાવડી પાસે એક દુકાન પર ઉભેલા પાંચ લોકો અચાનક જમીન પર પડી ગયા. કોઇ મુદ્દે પંચરની દુકાન પર પાંચ યુવક ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ અચનાક જ ધરતીમાં કોઇ ભેદી અવાજ આવ્યો અને એક મોટરસાઇકલ સહિત પાંચેય યુવક ખાડામાં ગરકાવ થઇ ગયા…. આ ઘટનાના CCTVમાં કેદ થઇ ગઇ અને તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

ખરેખર, રેલ્વે સ્ટેશનની બાજુમાં, બાબા બાવડી પાસેના મુખ્ય માર્ગ પર શ્રવણ ચૌધરીની ટાયર પંચરની દુકાન છે. દુકાનની બહારથી જ જૂની વરસાદી ગટર પસાર થાય છે. ગટર ઉપરથી પથ્થરના સ્લેબથી ઢંકાયેલી છે. જોકે હાલ ગટર સુકાઈ ગઈ છે અને દુકાનદાર સાથે બે યુવકો તેના પર કામ કરતા હતા.

આ દરમિયાન બોલેરો સવાર બે યુવકો પંચર રીપેર કરાવવા આવ્યા હતા. એક યુવક બેસી ગયો અને પંચર કાઢવા લાગ્યો. બીજા ચાર લોકો ઉભા થઈને વાત કરવા લાગ્યા. એક બાઇક, ટાયર અને અન્ય સાધનો ગટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે અચાનક ગટર ઉપરનો પટ્ટો તૂટી ગયો હતો. થોડી જ વારમાં બાઇક સહિત પાંચેય યુવકો નાળામાં પડી ગયા હતા. સદનસીબે ગટર સુકી હતી. પાંચેયને માત્ર નાની-મોટી ઈજાઓ થઈ હતી.