માના પટેલની ગોલ્ડન હેટ્રિક, આર્યન પંચાલ અને મિક્સ ટીમે અપાવ્યો ગોલ્ડ મેડલ
કમલેશ નાણાવટીએ કહ્યું, નેશનલમાં 10થી વધુ મેડલ જીતશે ટીમ ગુજરાત
કેતન જોષી અમદાવાદ
આસામના ગૌહાટીમાં રમાયેલી 75મી નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ ગુજરાત માટે સૂવર્ણમય બની રહી. ડૉ. ઝાકીર હુસૈન એક્વેટિક કોમ્પલેક્સ ખાતે રમાયેલી ચેમ્પિયનશિપમાં ગુજરાતની માના પટેલે એક નહીં પણ ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ પર જીત મેળવી હતી. આ તરફ આર્યન પંચાલ અને ગુજરાતની મિક્સ રિલે ટીમે પણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. આ સાથે જ આગામી નેશનલ ગેમ્સ પહેલા ગુજરાતના સ્વિમર્સે જોદરાદ ફોર્મ હાંસલ કરી લીધું છે.
માના પટેલ માટે યાદગાર રહી નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ
માના પટેલે ચેમ્પિયનશિપમાં 50 મીટર, 100 મીટર અને 200મીટરમાં ગોલ્ડ મેડલ ગુજરાતને અપાવ્યો હતો. માના પટેલ માટે નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ એક યાદગાર કમ્પિટીશન બની રહી કારણ કે તેણે ન માત્ર ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા પરંતુ વુમેન્સ 50 મીટર બેકસ્ટ્રોક ઇવન્ટમાં નેશનલ ગેમ્સ રેકોર્ડ પણ કર્યો છે. માનાએ 29.79 સેકન્ડ સાથે 2016માં તેના જ રેકોર્ડને બ્રેક કર્યો હતો. માનાએ 0.10 સેકન્ડથી પોતાના રેકોર્ડમાં સુધારો કર્યો હતો. માનાએ આ પહેલા 100મીટર બેકસ્ટ્રોકમાં પણ 1:04.33ના સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે 200 મીટર બેકસ્ટ્રોકમાં 2:20.09ના સમય સાથે ફાઇનલને એકતરફી બનાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્રની પલક જોશીને 5 સેકન્ડના અંતરથી હાર આપી હતી. માના પટેલે ગૌહાટીથી જણાવ્યું હતું કે તે પોતાના પ્રદર્શનથી ખુશ છે, કારણ કે જે પ્રકારની તૈયારી હતી તે પ્રમાણે જ પરિણામ પણ મળ્યું છે. હીટ દરમિયાન જ રેકોર્ડ કરવાની ઇચ્છા હતી પરંતુ ફાઇનલમાં જ સારો ટાઇમ મળતા ઘણી ખુશ છું. નેશનલ ગેમ્સ પહેલા આ રેકોર્ડ અને પ્રદર્શન ઘણું મહત્વ ધરાવે છે. માના પટેલને ચેમ્પિયનશિપની બેસ્ટ સ્વિમરનો એવોર્ડ પણ મળ્યો હતો.
આર્યન પંચાલે 200 મીટર બટરફ્લાયમાં જીત્યો ગોલ્ડ મેડલ
200 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં ગુજરાતની નજર પોતાના માનીતા સ્વિમર આર્યન પંચાલ પર રહેલી અને તેણે ટીમને જરાય નાખુશ કરી નહતી. 200 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં આર્યન પંચાલે 2:02.97ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે RSPBના સાનુ દેબનાથ બીજા અને આસામનો બિક્રમ ચાંગમાઇ ત્રીજા સ્થાને રહ્યો હતો. હાલ આર્યન પંચાલ શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે અને નિષ્ણાતો માની રહ્યા છે કે ઓલિમ્પિયન સાજન પ્રકાશ બાદ આર્યન પંચાલ પણ ઓલિમ્પિકમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શકે છે.
4x50m મિક્સ ઇવન્ટમાં પણ ગુજરાતનો ડંકો વાગ્યો
4x50m મિક્સ ઇવન્ટમાં સુરતના અંશુલ કોઠારી અને દિશાંત મહેતા, અમદાવાદની માના પટેલ તથા દિયા પટેલે ગુજરાતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં માના પટેલનો આ ચોથો ગોલ્ડ મેડલ હતો. ગુજરાતની ટીમે 1:52.65ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે આસામની ટીમ 1 સેકન્ડના અંતર સાથે બીજા તથા કર્ણાટકની ટીમ એસ.શિવા જેવા અનુભવી સ્વિમરની હાજરી વચ્ચે પણ ત્રીજા સ્થાને રહી હતી.
કોચ કમલેશ નાણાવટી ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ
ગુજરાતની ટીમના કોચ અને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ નાણાવટીએ જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક અનુભવી ખેલાડીઓને નેશનલ ગેમ્સ પહેલા આરામ અપાયો હતો, પરંતુ ગૌહાટી ખાતે પણ ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને માના પટેલે….. કારણ કે તેની પાસેથી સૌથી વધારે અપેક્ષા હતી અને તેણે તેને છાજે તેવું જ પ્રદર્શન કર્યું. આ તરફ આર્યન પંચાલ પણ શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે જેથી તેની પાસેથી ઘરઆંગણે રમાનારા નેશનલ ગેમ્સમમાં વધુ મેડલની આશા રાખી શકાય. જ્યારે ભુવનેશ્વરમાં દેવાંશ પરમારનું શ્રેષ્ઠ પ્રદર્શન કોણ ભૂલી શકે. હા,આ ઇવેન્ટ માટે તેને આરામ અપાયો હતો પરંતુ 200 મી. 400 મી. અને 800 ફ્રી સ્ટાઇલમાં નેશનલ ગેમ્સ વખતે તે ગોલ્ડ મેડલ માટે ફ્રેન્ટ રનર રહેશે. તેણે ભુવનેશ્વરમાં બોલિવૂડ એક્ટર આર. માધવનના દિકરા વેદાંત માધવનને પણ હાર આપી હતી. ગુજરાતમાં રમાનારી નેશનલ ગેમ્સમાં આર્યન નહેરા, જે હાલ ફ્લોરિડા ખાતે અમેરિકન ઓલિમ્પિયન સ્વિમર્સ સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે તે પણ નેશનલ ગેમ્સમાં ગુજરાતને ચોક્કસથી ગોલ્ડ અપાવે તેવી આશા છે. આમ ગુજરાતના સ્વિમર્સ ફૂલ ફોર્મમાં છે અને નેશનલ ગેમ્સમાં સ્થાનિક સપોર્ટના સહારે 10થી વધુ ગોલ્ડ મેડલ જીતી શકે છે.