ગુજરાતના જામનગરની કોર્ટે ચેક રિટર્ન કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલ અને ફરિયાદીને 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.

ચેક રિટર્ન કેસમાં જામનગર કોર્ટના સિવિલ જજ વી.જે. ગઢવીએ આ ચુકાદો આપ્યો હતો.

ત્યારપછી કોર્ટે આદેશ પર 30 દિવસના સ્ટે માટે સંતોષીની અપીલ સ્વીકારી હતી, જેથી તે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે.

વિગતો મુજબ જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શીપીંગના વ્યવસાયી  અશોક લાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે સંતોષીને ફિલ્મ બનાવવા માટે 1 કરોડ રૂપિયા ઉછીના આપ્યા હતા, જેના બદલામાં ફિલ્મ નિર્માતાએ તેને 10-10 લાખ રૂપિયાના 10 ચેક આપ્યા હતા જોકે, ત્યારબાદ 10 ચેક રિટર્ન થતાં લાલે તેને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ કાનૂની નોટિસ આપી હતી પણ સંતોષી પૈસા પરત કરવામાં નિષ્ફળ જતાં તેઓ 2017 માં કોર્ટમાં ગયા હતા.

લાલના વકીલ પીયૂષ ભોજાણીએ જણાવ્યું હતું કે, “ત્યારબાદ, આરોપીએ તેની સામે દાખલ કરાયેલા કેસને મુંબઈની કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી, જેને ફરિયાદીએ સેશન્સ કોર્ટમાં પડકારી હતી. સેશન્સ કોર્ટે સંતોષી સામેના તમામ કેસોની સુનાવણી જામનગરમાં કરવાનો નિર્દેશ આપ્યો હતો.”

પછી કોર્ટે ફિલ્મ નિર્માતા વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું હતું પરંતુ, તે તેનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા.
ભોજાણીએ જણાવ્યું હતું કે, સમન્સ છતાં સંતોષી જામનગર કોર્ટમાં હાજર થયો ન હતો ત્યારે કોર્ટે તેની સામે જામીનપાત્ર વોરંટ જાહેર કરતા ત્યારબાદ તે હાજર થયા હતા.

દરમિયાન,કેસ ચાલી જતા જામનગર કોર્ટના સિવિલ જજ વી.જે. ગઢવીએ સંતોષીને 2 વર્ષની જેલ અને ફરિયાદીને 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.